હાલોલ
જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઝંડ હનુમાનજીના મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ શનિવારે મોટી સંખ્યામાં શ્રાધ્ધળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીં આજે મેળો ભરાતો હોવાથી લાખોની સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે. ચારે તરફ ડુંગરોથી ઘેરાયેલું અને વનરાજીની વચ્ચે પ્રકૃતિની ગોદમાં બિરાજેલા ઝંડ હનુમાનજી મંદિર અહીંના લોકો માટે જ નહીં સમગ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હનુમાન ભક્તો માટે આસ્થા, ભક્તિ અને શ્રાદ્ધનું કેન્દ્ર બન્યું છે. ત્યારે શ્રાવણ માસના શનિવાર હોય એટલે અહીં હજારો ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. શ્રાવણ માસના છેલ્લા શનિવારે અહીં મેળો ભરાતો હોવાથી બે લાખ જેટલા ભક્તો દિવસ દરમિયાન અહીં પહોંચતા હોય છે. સવારથી જ દર્શનર્થીઓ ઝંડ તરફ જતા જાેવા મળ્યા હતા, તો મેળામાં દુકાનો લગાવનાર અને ભક્તો માટે ચા, નાસ્તો, ફરાળ, છાસ અને ભોજનની સેવાઓ આપનાર ભક્તો ભંડારાની વ્યવસ્થા કરવા શુક્રવારે સાંજે જ જંગલમાં પહોંચી જતા હોય છે. અહીં જંગલ વિસ્તારમાં આવેલા આ સ્થળ સુધી પહોંચવાનો રોડ માર્ગ જાંબુઘોડા અને નારુંકોટ કેનાલ ઉપરથી આવેલો છે, અને અન્ય માર્ગ જંગલ વિસ્તારના ડુંગરો ઓળંગીને પણ પહોંચી શકાય છે. વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના ત્રિભેટે આવેલા જંગલ વિસ્તારના ઝંડ ગામે ૨૦ ફૂટના સેન્ડ સ્ટોનમાંથી કોતરણી કરી બનાવવામાં આવેલ સૈકાઓ જૂની હનુમાનજીની પનોતી સાથેની મૂર્તિ હનુમાન ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. વર્ષો પહેલા અહીં પહોચવા માટે પાકો માર્ગ ન હતો. ત્યારે કાચા માર્ગે ભક્તો જાંબુઘોડાથી દસ કિલોમીટર ચાલતા અને ટ્રેક્ટર લઈ જતા હતા, સમયાંતરે અહીં પાકો રસ્તો બનતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ વાહનો લઈને આવતા થયા છે. શ્રાવણ માસના છેલ્લા અહીં લાખો શ્રાધ્ધળુઓ આવતા હોવાથી ત્રણ જિલ્લાની પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે મોડી સાંજ સુધી અહીં દર્શનર્થી ભક્તોનો પ્રવાહ ચાલુ રહેશે, આવતી કાલે વહેલી સવાર સુધી અહીંથી દર્શન કરી ભક્તો પરત ફરશે.
