જૂનાગઢ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા પશુઓના આરોગ્ય સંવર્ધનની પણ વાહક બની છે. હાલમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના આગમનના પૂર્વ દિવસે ગામડાઓમાં પશુ આરોગ્ય મેળાઓ યોજવામાં આવી રહ્યા છે. જેમાં સમગ્ર જિલ્લામાં ગાય, ભેંસ, ઘેટા બકરા સહિત ૧૩૭૬૪ પશુઓને જુદી-જુદી સારવાર આપવામાં આવી છે. આ સાથે પશુઓને રોગથી બચાવવા માટે અને પ્રિકોનનના ભાગરૂપે ૫૮૮૮ જેટલા પશુઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે નાયબ પશુપાલન નિયામક શ્રી પાનેરાએ જાણકારી આપતા જણાવ્યું કે, હાલમાં સમગ્ર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ૧૧૭૪ પશુઓની મેડિકલ સારવાર, ૩૬ની શસ્ત્રક્રિયા, ૧૦૨૪ જેટલા પશુઓની જાતીય આરોગ્ય સારવાર અને ૧૧,૫૩૦ પશુઓને કૃમિનાશક દવાઓ પીવડાવવામાં આવી છે. આ ઉપરાંત રસીકરણ, ખસીકરણ અને કૃત્રિમ બીજદાનની કામગીરી કરવામાં આવી રહી છે. આ સેવાઓ અને સારવાર મુખ્યત્વે ગાય, ભેંસ, ઘેટા અને બકરાને આપવામાં આવી છે.
આ પશુ આરોગ્ય મેળાઓમાં જુદા જુદા રોગોથી પશુઓને બચાવવા માટે એસ. એચ.ના ૩૮૬૭, બી. ક્યુ.ના ૫૩૦, એફ.એમ. ડી.ના ૩૦૩ ઈ.ટી.ના ૭૯૦ અને પીપીઆર રસીના ૩૯૮ ડોઝ આપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી રાજ્યના પશુપાલન ખાતા તથા કલેકટર શ્રી રચિત રાજના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
શ્રી પાનેરા વધુમાં કહે છે કે હાલ ચોમાસાની ઋતુમાં માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે, ત્યારે પશુપાલકો-ખેડૂતોએ ગાય, ભેંસ સહિતના પશુઓના રહેઠાણમાં માખી મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. આ માટે પશુઓના રહેઠાણમાં પંખો ચલાવવો કે પશુઓને હવાઉજાસ વાળી જગ્યાએ રાખવા જોઈએ. તેમ અંતમાં તેમણે ઉમર્યું હતું

