સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર જે છેલ્લા પોણા આઠ વર્ષથી અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કાર્યરત છે. અત્યાર સુધીમાં બાર લાખ જેટલા દર્દીઓ આ નિઃશુલ્ક હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે. છેલ્લા ૬ મહિનાથી કેન્સર તેંમજ આંખની સારવાર માટેના નવા વિભાગો કાર્યરત છે અને આજથી કેન્સર વિભાગમાં દર્દીઓ માટે કેમોથેરેપી વિભાગ લોકોના સાથ સહકારથી શરૂ કરવામાં આવેલ છે જેમાં શ્રી લલ્લુભાઇ શેઠ અરોગ્ય મંદિરના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ જોષી, ટ્રસ્ટી શ્રી જયકાંતભાઈ સંઘવી,અને સુપ્રિટેન્ડન્ટ ડો.મગનભાઈ પાંડવ,કેન્સર સ્પેશિયાલિસ્ટ સર્જન ડો.દીપકભાઈ શેઠ,કેમોથેરેપી વિભાગના સ્પેશિયાલિસ્ટ ડો.હનીબેન પારેખ સહિતના સમગ્ર ડો.સ્ટાફ હોસ્પિટલ સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કેમોથેરેપી વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો. આ હોસ્પિટલના સુઘડ, સ્વચ્છ અને નૈસર્ગિક વાતાવરણમાં કોઈ કોર્પોરેટ હોસ્પિટલો જેવી આરોગ્ય સેવાઓ અને એ પણ તમામ નિશુલ્ક પ્રાપ્ત થાય એ ઉડીને આંખે વળગે તેવી બાબત છે. અહીં નાત જાત, અમીર ગરીબના ભેદભાવ વગર તમામને સસ્મિત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. અહીંથી દર્દીઓ સાજા થઈને હસતાં હસતાં ઘરે જાય છે. શેઠ શ્રી લલ્લુભાઈના આદર્શ અને જીવન મૂલ્યોનું અહીં ખૂબ કાળજીપૂર્વક જતન કરવામાં આવે છે. અહીં દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી નિશુલ્ક આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે.
આ નિઃશુલ્ક હોસ્પિટલમાં કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડો.દિપકભાઇ શેઠ,અને કેમોથેરેપી વિભાગના સ્પેશિયાલિસ્ટ ડો.હનીબેન પારેખ સેવાઓ આપશે તેમ ટ્રસ્ટીશ્રી દ્વારા જણાવાયું હતું


