સુરત
સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામને અડીને સોસાયટી જ્યાં પરપ્રાંતીય પરિવાર સાથે પિતાના જ મકાનમાં કિરણબેન હરિશચંદ્ર નિશાદ (ઉ.વ ૨૨) પોતાના પતિ સાથે રહેતી હતી. કિરણ નિશાદ અને પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ વચ્ચે ૬ મહિનાના લગ્નના સમયગાળામાં અનેક વખત ઝઘડો અને મારપીટ થયા કરતી હતી. કિરણબેનના પિતાએ તેના પતિને સાયકલ લઈ બહાર જતા જાેયા બાદ દીકરીના રૂમ તરફ જાેતા બહારથી તાળું મારેલું જણાયું હતું. કંઈક અજુગતું જણાતા પિતાએ પડોશીઓને જાણ કરતા શોધ કરતા રૂમની બારી ખોલીને જાેતા દીકરી કિરણ નિશાદને મૃત હાલતમાં જાેતા પિતા અને પડોશીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. મૃતકની છાતીમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. બાદમાં તકીયાથી મોઢું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી સાયકલ લઈ ભાગી છૂટ્યો હતો. મૃતક મહિલાના પિતાએ કીમ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બહારથી દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરતા તપાસ શરૂ કરી હતી. જેમાં હત્યામાં વપરાયેલું ચપ્પુ મૃતકની છાતીમાં ઘૂસેલી હાલતમાં મળ્યું હતું. જેને કબજે લઈ હત્યારા અંગે મૃતકના પરિવાર પાસેથી જરૂરી વિગતો લઈ હત્યારાને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ડોગ સ્કવોડથી તપાસ શરૂ કરી છે. મૃતકના પિતા કમલેશ હરગોવિંદ ગોંડની ફરિયાદ લઈ હત્યારા પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધી તપાસ પોલીસે હાથ ધરી છે. મૃતક પરિણીતા કિરણ અને હત્યારા પતિ હરીશચંદ્ર નિશાદ બન્નેના છ માસ અગાઉ જ લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો. આ લગ્નજીવનના છ માસના સમયગાળામાં બન્ને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાનું જાણવા મળે છે.ત્યારે હત્યાની રાત્રે કઈ બાબતે ઝઘડો થયો હોય કે પછી કઈ બાબતનો રોષ રાખી કિરણની હત્યા કરી દેવામાં આવી એ હાલ જાણી શકાયું નથી. હત્યાનું ખરું કારણ હત્યારો પકડાયા બાદ જ સામે આવશે.