સુરત
સુરતના પુણાગામ મોબાઈલની દુકાનમાંથી દેશી તમંચો બતાવી લૂંટ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પાસિંગની બાઈક સવાર ત્રણ લૂંટારૂઓ રોક્ડા રૂ. ૩૦ હજારની લૂંટ કરી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જાેકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાહુલ પુરણભાઈ બધેલ (રહે પુણાગામ વલ્લભનગર)એ જણાવ્યું હતું કે, તેઓ પુણાગામ શિવાજીનગર સોસાયટીમાં શિતલા નામની મોબાઈલની દુકાન ધરાવે છે. શનિવારની રાત્રિએ રાહુલ બધેલ તેમની દુકાને હાજર હતા. દરમિયાન (એમએચ-૧૩-બીબી-૨૯૯૭) નંબરની પેશન પ્રો બાઈક ઉપર ત્રણ અજાણ્યા લૂંટારૂઓ આવ્યા હતા. દુકાનની બહાર બાઈક પાર્ક કરી હતી અને બંધ શટર ઉંચુ કરી દુકાનમાં ધસી આવ્યા હતા. ત્રણ પૈકી એકના હાથમાં સ્ટીલનો પાઈપ અને બીજા બેના હાથમાં દેશી તમંચા હતા. જેથી દુકાનમાં હાજર રાહુલભાઈ અને તેમના મિત્ર અજય પટેલ તરફ તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જીતના પૈસા હૈ ઉતના સબ દેદો તેમ કહી કેશ કાઉન્ટરમાંથી રૂ. ૩૦ હજાર કઢાવી લૂંટ કરી દુકાનનું શટર ઉંચુ કરી બાઈક ઉપર ભાગી છૂટ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ બાદ એસીપી બીએમ વસાવા અને પીઆઈ વીયુ ગડરિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે લૂંટારૂઓના પગેરું શોધવાની દિશામાં તપાસ આગળ વધાવી છે.
