Gujarat

સુરેન્દ્રનગરમાં સોનું પચાવી લેવા લુંટની ખોટી ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના મહાલક્ષ્મી સિનેમા સામે વાઘેશ્વરી ફ્લેટમાં રહેતા ભાવીન વાડીલાલ સ્વદાસ (સોની-ઉં.વ-૩૬)એ મોડી રાત્રે ત્રણ વાગ્યે સુરેન્દ્રનગર સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને જઈને જાણ કરી હતી કે, પંચોલીના દવાખાના નજીક ભરવાડ શેરી પાસે આવેલા ખંડેર બાથરૂમ પાસે બાઈક ઉપર આવેલા એક માણસે તેને માર મારીને કપડા ફાડી નાંખી અંદાજે રૂ.પાંચ લાખની કિંમતનું ૯૫ ગ્રામ સોનુ લૂંટી લીધું છે. આ લૂંટના બનાવની જાણ થતા એ.એસ.આઈ દાફડા હમીરભાઈ તથા સ્ટાફે ઈન્ચાર્જ પી.આઈ. ટી.બી હિરાણી સાથે સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન લૂંટનો આ બનાવ તરકટ અને ઉપજાવી કાઢેલો હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં ફરિયાદી ભાવિન સોનીએ કબુલાત કરી હતી કે, તેના ઉપર દેવુ થઈ ગયુ હતું. જેથી મહેતા જ્વેલર્સવાળા પાસેથી મજૂરી કામ માટે લાવેલું અંદાજે પાંચ લાખની કિંમતનું ૯૫ ગ્રામ સોનુ પાછુ આપવુ ના પડે તે માટે તેણે આ લૂંટનો બનાવ ઉપજાવી કાઢ્યો હતો. વાસ્તવમાં લૂંટનો કોઈ બનાવ બન્યો જ ન હતો. આ અંગે સુરેન્દ્રનગર એ.ડીવીઝન પોલીસમાં કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં મહાલક્ષ્મી સિનેમા સામે રહેતા સોની યુવાનને દેવુ થઈ જતા મજુરી કામ માટે લાવેલુ સોનુ પચાવી પાડવા રૂ. પાંચ લાખની લૂંટનું તરકટ રચ્યુ હોવાની ચોંકાવનારી ઘટના પોલીસમાં નોંધાઇ હતી. પોલીસે આકરી પૂછતાછ કરતા લૂંટના કાવતરાનો વેપારીનો ભાંડો ફૂટી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *