સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિકના તેમજ અન્ય નિયમોના પાલનનો અભાવ દિવસે દિવસે વધતો જાેવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લાં એક વર્ષમાં જુદા જુદા નિયમોનો ભંગ કરતા લોકોને રૂ. ૧.૬૯ કરોડનો દંડ ભરવાનો વારો આવ્યો હતો. જેમાં સ્થળ પર જ વર્ષમાં ૨૮ હજાર ૦૫૭ લોકો ઝપેટમાં ચડતા રૂ. ૮૦.૩૦ લાખ વસૂલાયા હતા. આ ઉપરાંત વર્ષ દરમિયા તમાકુ અંતર્ગત ૩૧૫ લોકો અને ટ્રાફિકને અચડણરૂપ ૨૩૭ તેમજ નશાની હાલતમાં ૨૧ લોકો પણ દંડાયા હતા. જિલ્લામાં નાના મોટા વાહનની વધતી સંખ્યાને લઇને ટ્રાફિકની સમસ્યાથી જિલ્લાવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જિલ્લામાં હજુ પણ ટ્રાફિક નિયમો પાળવાનો અભાવ લોકોમાં જાેવા મળી રહ્યો છે. શહેરી તેમજ જિલ્લાના માર્ગો પર વારંવાર ટ્રાફિક સમસ્યા દૂર કરવા તેમજ તેનું પાલન કરાવવા સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ સી.એ.એરવાડિયા સહિતની ટીમે કાર્યવાહી પણ કરી હતી. પરિણામે જાન્યુઆરીથી ડિસેમ્બર-૨૦૨૧ દરમિયાન ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ તેમજ માસ્કનો અનાદર કરતા લોકો સામે કામગીરી કરાઈ હતી. જેમાં છેલ્લાં ૧ વર્ષમાં રૂ. ૧ કરોડ ૬૯ લાખ ૧૬ હજાર ૧૬૩નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં સ્થળ પર જ ૨૮ હજાર ૦૫૭ લોકોને રૂ. ૮૩.૩૦ લાખ, તમાકુનું સેવન કરી જાહેરમાં થૂંકતા ૩૧૫ લોકોને રૂ. ૩૧ હજાર ૫૦૦, ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાના ૨૩૭ લોકોને રૂ. ૧ લાખ ૪૮ હજાર ૬૦૦, દારૂ પીને પકડાયેલા ૨૧ તેમજ પૂરઝડપે વાહન ચલાવનારા સહિતના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ૪૩ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
