ગિરગઢડા
ભરત ગંગદેવ.
ત્રણ દિવસમાં ૯ શાળાઓમાં પ્રવેશોત્સવમાં હાજરી આપી….
ગાંધીનગર ખાતેથી માન. મુખ્યમંત્રી , અન્ય મંત્રી ઓ, IAS ઓફિસર્સ સહિતના અનેક અધિકારીઓ અલગ અલગ જિલ્લાઓમાં પ્રવેશોત્સવમાં હાજર રહેલાં.
ઘણા શિક્ષકો એવા હતાં જેણે ગાંઠનું ગોપીચંદન કરીને ખર્ચો કર્યો હતો. સરકારી માત્ર ૫૦૦/- રૂપિયા ગ્રાન્ટની રાહ જોયા વિના મહેમાનોના મંડપની વ્યવસ્થા કરી હતી. પંખા ગોઠવ્યાં હતાં. અરે ઘણી જગ્યાએ તો મસમોટું એરકૂલર પણ મૂક્યું હતું. *અમારા મહેમાનોને પરસેવો ન થવો જોઈએ.* ઘણી શિક્ષિકા બહેનોએ સવારે ૩:૦૦ વાગે ઊભા થઈને રસોઈ અને નાસ્તો બનાવ્યો અમારા મહેમાન *ભુખા ના જવા જોઈએ* ઘણા મધ્યાહન ભોજનના સંઘટકો ૨૦ કીમી દુર ચા બનાવવા દુધ લેવા ગયા *અમારા મહેમાન મૂડમાં રહેવા જોઈએ આવી તો કેટલીય વાતો ધ્યાનમાં રાખી..
પણ પરસેવો ઉછીનો લઈને, રેબઝેબ થઇને CRC કો-ઓરડીનેટર્સ દોડાદોડ કરતાં હતાં. આચાર્યને મહેમાનોના માઈકનું ટેન્શન હતું.
રૂપકડી ઢીંગલી જેવી બાલિકાઓએ સુંદર મજાનું દરેક સ્કૂલો માં સાંસ્કૃતિક ગીત રજૂ કર્યું. પણ એની પાછળ દસ દિવસનો આકરો પરિશ્રમ હતો. ગીત તૈયાર અને રજૂ કરાવનાર શિક્ષિકા એક મિનિટ બાલિકાની સામે તો બીજી મિનિટે મુખ્ય મહેમાન સામે કંઈક ચિંતાતુર અને આતુર નજરે જોતાં હતાં. જેમાં મહેમાનોના પ્રસન્ન મુખમુદ્રાથી એમનો શ્વાસ હેઠો બેસતો હતો.
જો કે બાલિકાઓનો આત્મવિશ્વાસ બુલંદ હતો…એમના ફૂલ ગુલાબી મુસ્કાને સહુનું દિલ જીતી લીધું હતું. ‘કન્યા કેળવણી’ શબ્દ હજુ એમના કાને પડ્યો નહતો.
માથે ફાળિયું ઓઢીને બેઠેલા વાલીઓ તડકો ટાળવાનો પ્રયાસ કરતાં હતાં. એમને પ્રોગ્રામ ઝડપથી પતે એમાં રસ હતો… મજૂરીએ જવાની ઉતાવળ હતી.
ટ્રેઈન્ડ શિક્ષકોએ એક-બે કલાકથી અધીરાં થયેલાં આંગણવાડીના બાળકોને એમની આગવી ક્ષમતાથી સમજાવીને શિસ્તબદ્ધ રીતે બેસાડી રાખ્યા હતાં. મંચસ્થ મહેમાનો ચિલ્ડ બિસલેરીની બોટલ્સમાંથી ‘સીપ સીપ’ કરી જલપાન કરતાં હતાં..
બાળકોને દફ્તર અને પુસ્તક વિતરણ, કંપાસ બોક્સ અને અન્ય અનેક જાતની ગિફ્ટ આપવામાં આવી રહી હતી… કેમેરામેનની ‘ક્લિક’ મહેમાનોની ચહેરાના હાવભાવ કળી રહી હતી. મહેમાનોની આંખોમાં અનેરી ચમક હતી. પણ એ માત્ર કેમેરામેનને જ દેખાતી હતી
મંચસ્થ મહેમાનોમાં સમાવિષ્ટ પણ મંચસ્થ ન હોય તેવા *CRC* સતત મોબાઈલ ઉપર આગામી શાળાના આયોજનની મથામણમાં હતાં. રાજકીય આગેવાનો શાળાના વિકાસમાં એમણે આપેલ ‘અમુલ્ય યોગદાનની યશોગાથા મહેમાનોને કરી રહ્યા હતાં.સરકારના આવાં દરેક ઉત્સવો પાછળ પરસેવો રેડનાર તમામ નામી-અનામી કર્મચારીઓને સમર્પિત..
