સુરત,
હૈદરાબાદમાં રહેતો અને ત્યાં ઘણા વ્યવસાય સાથે જાેડાયેલો વિનય નામના વેપારીને ક્રિપ્ટો કરન્સી ખરીદવી હતી. જેથી તેણે દલાલનો સંપર્ક કર્યો હતો. દલાલે સુરતમાં કેટલાક લોકો પાસે યુએસડીટી ક્રિપ્ટો કરન્સી હોવાનું જણાવી વેપારી અને સુરતના કરન્સી ધારકો વચ્ચે સોદો કરાવવાની વાત કરી હતી. વિનય હૈદરાબાદથી લક્ઝરી કારમાં સુરત આવ્યો હતો. તેની પાસે ચારેક કરોડ રૂપિયા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે. વરાછા પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં ૩૦૦ મીટરના અંતરે સેન્ટ્રલ બઝારમાં એક ઓફિસમાં વિનય અને સુરતના યુવકો બેઠા હતા. ત્યાં કરન્સી ટ્રાન્સફર કરીને રૂપિયા આપવાના હતા. વિનયે આશરે બે કરોડ રૂપિયા આપી દીધા પરંતુ કરન્સી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા નહતા. તેથી વિનય અને ત્યાંના લોકો વચ્ચે બબાલ થઈ હતી. પાંચેય જણા વિનય સાથે ઝપાઝપી કરીને બે કરોડ રૂપિયા લઈને નાસી ગયા હતા. લૂંટની વાત વાયુ વેગે ફેલાઈ હતી. જાેકે ફરિયાદી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યો નહતો. પરંતુ વરાછા પોલીસ સામેથી ઘટના સ્થળે ગઈ હતી. ત્યાંથી વિનયને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. ત્યાં વિનય કાંઈ ફરિયાદ કરે તે પહેલા કોઈનો તેના પર ફોન આવ્યો હતો. વિનય વાત કરવા પોલીસ સ્ટેશનેથી બહાર નીકળ્યો ત્યાર બાદ પોલીસને જાણ કર્યા વગર વિનય ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસ તેને ફરિયાદ કરવા બોલાવે છે પરંતુ તે આવતો નથી. ઇન્સ્પેક્ટર પી.એ. આર્યએ જણાવ્યું હતું કે, અમે તો ફરિયાદ દાખલ કરવા માંગીએ છે. ફરિયાદીને ફોન કરીને બોલાવીએ પણ છીએ પરંતુ તે ફરિયાદ કરવા આવતો નથી. તેથી જાણવા જાેગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે. સેન્ટ્રલ બઝારમાં કામ કરનારાઓએ જણાવ્યું હતું કે લૂંટારૂઓ પાસે હથિયાર પણ હતા.


