રાજકોટ
શહેરના થોરાળા મેઇન રોડ પર ૨૦૧૯માં થયેલી હત્યામાં કુખ્યાત આરોપી અલ્તાફ છ આંગળીવાળો ૨૦૨૧માં ઝડપાયો ત્યારબાદ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી હતી અને આ તપાસમાં ક્રાઇમ બ્રાંચ કંઇ ઉકાળી શકી નહોતી, વધુએક પણ આરોપીનું નામ ખોલ્યું નહોતું અને આ મામલે રૂ.૯૫ લાખનો તોડ થયો હતો, પોલીસે આરોપીને મદદ કરવાના ઇરાદે કબજે કરેલી કાર પણ છોડી મૂકવી પડી હતી થોરાળા મેઇન રોડ પર ૫ એપ્રિલ ૨૦૧૯ના ઇમરાન ઉર્ફે ઇમુ જુશબ તાયાણીની હત્યા થઇ હતી અને આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેમાં આરોપી તરીકે નામચીન બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળીવાળાનું નામ આપવામાં આવ્યું હતું, બે વષ સુધી આરોપી નાસતો ફરતો રહ્યો હતો, ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રાજકોટ ક્રાઇમ બ્રાંચે અલ્તાફની ધરપકડ બતાવી હતી, ખરેખર અલ્તાફને ૮ એપ્રિલના અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો હતો, ધરપકડ થઇ ત્યારબાદ પોલીસ કમિશનરે આ તપાસ થોરાળા પોલીસ પાસેથી આંચકી લઇ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. નામચીન અલ્તાફ બે વર્ષ સુધી ફરાર હતો, તેને કોણે મદદ કરી, તેને કોણે આશરો આપ્યો સહિતના મહત્ત્વના મુદ્દા હતા, અને પોલીસ સ્ટેશન પાસેથી તપાસ લઇને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે જ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી હશે પરંતુ તેવું નહીં થતાં અનેક સવાલો ઉઠ્યા છે, ક્રાઇમ બ્રાંચે અલ્તાફની પૂછપરછમાં એક પણ નવું નામ ખોલ્યું નહોતું, છ દિવસ સુધી અલ્તાફને ગેરકાયદે ક્રાઇમ બ્રાંચમાં બેસાડી રાખવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી રૂ.૯૫ લાખનો તોડ કરવામાં આવ્યાની વાત જાેરશોરથી ચર્ચાઇ રહી છે, અલ્તાફે હત્યા કરી ત્યારે તે ઘટના સ્થળે કાળા કલરની વર્ના કાર લઇને ગયો હતો, ક્રાઇમ બ્રાંચે તે કાર અલ્તાફની ધરપકડ કરી ત્યારે કબજે કરી હતી, ખરેખરતો ઇમરાનની હત્યા ૫ એપ્રિલ ૨૦૧૯ના થઇ હતી અને કબજે કરેલી કાર ૯ મે ૨૦૧૯ના રોજ ખરીદ કરવામાં આવી હતી, આમ હત્યા થયાના એક મહિના બાદ કાર ખરીદ કરાઇ હોય તો આરોપીએ તે કારનો હત્યામાં કેવી રીતે ઉપયોગ કર્યો હોય તેવી આરોપીના વકીલની દલીલ પર કાર છોડી મૂકવામાં આવી હતી. પોલીસ કમિશનરે હત્યા કેસમાં થોરાળા પોલીસ પાસેથી બે વર્ષે તપાસ આંચકીને ક્રાઇમ બ્રાંચને સોંપી તે મામલો જ કમિશનરની નીતી સામે સવાલો ઉઠાવે છે, ક્રાઇમ બ્રાંચે આ મામલામાં કોઇ વિશેષ તપાસ નહીં કરતાં ક્રાઇમ બ્રાંચને માત્ર મલાઇ તારવવા માટે જ તપાસ સોંપવામાં આવી હોવાની કાનફાડી નાખે તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. હત્યા જેવા ગુનામાં કુખ્યાત આરોપીને મદદ કરી તેની પાસેથી રૂ.૯૫ લાખનો તોડ કરવાની ઉચ્ચ અધિકારી અને ક્રાઇમ બ્રાંચની નીતિરીતિની લોકોમાં ભારે ટીકા થવા પામી હતી. હત્યાના આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળીવાળાને ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદથી પકડ્યો ત્યારે તેની પાસેથી એક લેપટોપ જપ્ત કર્યું હતું, જેમાંથી કરોડો રૂપિયાના શંકાસ્પદ હિસાબો મળી આવ્યા હતા આ મામલે શું થયું તે પણ હજુ સુધી બહાર આવ્યું નથી, પોતાની સામે થયેલા આક્ષેપોમાં પોતાનું દિલ સાફ હોવાનું કહેનાર પોલીસ કમિશનરનું મન હત્યાના આરોપીની તપાસમાં મેલું કેમ થયું તેવી ચર્ચાઓ લોકોમાં શરૂ થઇ હતી. અમદાવાદના જુહાપુરામાં આવેલા ફ્લેટમાંથી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જેબલિયા સહિતની ટીમે તા.૮ એપ્રિલ ૨૦૨૧ના અલ્તાફને પકડી લીધો હતો અને ફ્લેટમાંથી લેપટોપ અને ૧૫ જેટલા મોબાઇલ કબજે કર્યા હતા. પોલીસે લેપટોપમાં તપાસ કરતાં દારૂ જુગારના ૧૦ થી ૧૨ કરોડના હિસાબો મળી આવ્યા હતા, એ હિસાબ શું હતો, તેમાં કોના નામ હતા તે આજ સુધી બહાર આવ્યું નથી, હત્યા કેસમાં બે વર્ષે આરોપી પકડાયો ત્યારબાદ થોરાળા પોલીસ પાસેથી તપાસ લઇને ક્રાઇમ બ્રાંચને સોંપી પરંતુ ક્રાઇમ બ્રાંચ તરીકે પંકાયેલી આ બ્રાંચના અધિકારીએ હત્યા કેસમાં કંઇ ઉકાળ્યું નહોતું સાથોસાથ કરોડોના હિસાબોમાં પણ પાણીઢોળ કરી આરોપી પાસેથી માંડવાળ કરી લીધી હોય તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી, સખિયા બંધુએ રૂ.૭૫ લાખની કમિશનબાજી અંગે પોલીસ કમિશનર અગ્રવાલ સામે આક્ષેપ કર્યો અને એડિશનલ ડી.જી.વિકાસ સહાયને આ મામલે તપાસ સોંપી ત્યારે કમિશનર અગ્રવાલે કહ્યું કે, પોતાનું દિલ સાફ છે, પરંતુ આ હત્યાની તપાસમાં કમિશનરનું મન કેમ મેલું થયું તેવા સવાલો લોકોમાં ઉઠ્યા હતા.
