અંજાર
અંજાર પોલીસ સ્ટેશન પાછળ આવેલ આહીર બોર્ડિંગ વાળી ગલીમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના બંધ પડેલા વિશ્રામગૃહની દીવાલ પાસે દરરોજ રાત્રે કોઈ ઈસમો દ્વારા પોતાની કાર ઉભી રાખી તેમાં શરાબની પાર્ટી કરી ખાલી બોટલો રહેણાંક વિસ્તાર હોવા છતાં જાહેરમાં ફેકી ચાલ્યા જતા હોવાથી સ્થાનિકો પરેશાન થયા છે. છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આવું કૃત્ય કરવામાં આવી રહ્યું હોવાથી તેનો વિડીયો બનાવી સ્થાનિક એવા વકીલ તુષારભાઈ ટાંક દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરી સોશ્યલ મીડિયા મારફતે ફરિયાદ કરી છે. અગાઉ પણ આ જ પ્રકારોનો વિડીયો તેમના દ્વારા બનાવવામાં આવ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઇ હોવાથી બીજી વખત વિડીયો બનાવવામાં આવ્યો હતો. આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની વિડીયોમાં માંગ પણ કરવામાં આવી હતી. આ બાબતે અંજાર પોલીસ મથકના પી.આઈ. સુખવિંદરસિંગ ગાડુનો સંપર્ક સાધતા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.અંજારમાં છેલ્લા કેટલાક સમયથી શરાબનું દુષણ ખુબ જ વધ્યું છે. તેવામાં પોલીસ સ્ટેશનના માત્ર ૫૦ મીટરના દાયરામાં અમુક ઈસમો દ્વારા રહેણાંક વિસ્તાર હોવા છતાં રાત્રે ગાડીઓ ઉભી રાખી દારૂ પી અને ખાલી બોટલો ત્યાં જ ફેકી દેતા હોવાથી ગૃહમંત્રીને ટેગ કરી સોશ્યલ મીડિયામાં સ્થાનિક દ્વારા વિડીયો વાયરલ કરી રાવ આપી છે.