રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ ખાતે ૧૩માં તબ્બકાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જામનગર જિલ્લાના ૧૮૩૬ લાભાર્થીઓને રૂ.૪૨ કરોડ ૯૧લાખથી વધુ રકમની સહાય અર્પણ કરવામાં આવી હતી. મુખ્ય સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે ૨૫ લાભાર્થીઓને લાભાન્વીત કરવામાં આવ્યા હતા. અને પશુપાલન ખાતાના રાજ્યકક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર ૪ પશુપાલકોને પ્રોત્સાહક ચેક વિતરણ તથા શ્રેષ્ઠ સરપંચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ “પંચાયતી રાજની આગેકૂચ”, કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચાયત વિભાગની યોજનાઓની સિદ્ધિઓ અંગેની ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. અને લાભાર્થીઓએ સાફલ્યગાથા વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનાં જરૂરિયાતમંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર અને વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થાય તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાઓ કાર્યરત છે. જામનગર જિલ્લાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ થકી લાભો પ્રદાન થયા તે બદલ તમામને અભિનંદન આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબોનો વિકાસ થાય અને તેઓ લાભોથી વંચિત ન રહે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. સગર્ભા માતાઓ, બાળકો, વિધ્યાર્થીઓ, ખેડૂતો, ધંધાર્થીઓ, મહિલાઓ માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સમાજમાં શિક્ષિત વર્ગના પરિણામે આજે દીકરો દીકરી એક સમાન સૂત્ર સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે. ગેર કાયદેસર ગર્ભ પરીક્ષણનો કાયદો આવતા બેટી બચાઓનું ભગીરથ કાર્ય થયું છે. અને સરકારે દિકરીઓના અભ્યાસની ચિંતા કરી અમલમાં મુકેલ યોજનાઓ થકી બેટી પઢાઓનું સૂત્ર પણ સાર્થક થઈ રહ્યું છે. અંતરિયાળ વિસ્તારના લોકો સુધી સરકારની દરેક યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે, તે અંહી બહોળી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓની સંખ્યાથી સાબિત થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા લોકો સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. સરકારે પશુપાલકોને સહાય મળે તે હેતુથી અમલમાં મુકેલ કલ્યાણકારી યોજનાઓ થકી પશુપાલકોની આવકમાં વધારો થયો છે. જામનગર ખાતેથી રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકોને સન્માનિત કરવામાં આવ્યા તે બદલ મંત્રીશ્રીએ તેમની કામગીરીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓ સુધી સીધી સહાય પહોંચી રહી છે. લોકોને આરોગ્યલક્ષી, શિક્ષણ, ખેડૂતલક્ષી, વ્યવસાયલક્ષી યોજનાઓથી સરકાર તરફથી જે આર્થિક સહાય મળી રહી છે તેના પરિણામે તેમના જીવનધોરણમાં સુધારો આવ્યો છે. અને લોકોને સહાયરૂપ બની સર્વાંગી વિકાસ કરવોએ દિશામાં સરકાર પ્રયત્નશીલ છે.
ગરીબકલ્યાણ મેળામાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, ઉજ્વલ્લા યોજના,એન. આર. એલ. એમ., પંડિત દિનદયાળ આવાસ યોજના, માનવ ગરિમા યોજના, વૃદ્ધ નિરાધાર સહાય, સરસ્વતી યોજના અંર્તગત સાયકલ સહાય, કિશાન ક્રેડિટ કાર્ડ, શિષ્યવૃતિ યોજનાઓ વગેરેના કુલ ૧૮૩૬ જેટલા જામનગર જિલ્લાના લાભાર્થીઓને રૂ.૪૨ કરોડ ૯૧લાખથી વધુ રકમની સહાય આપવામાં આવી હતી. કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈના હસ્તે ધનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલકો તરીકે પ્રથમ ક્રમે વિજેતા થયેલ સિદ્ધપુરના વિજયસિંહને રૂ.૫૦હજાર, દ્વિતીય ક્રમે વિજેતા થયેલ મુંદ્રાના સોનલબેનને રૂ.૩૦હજાર તેમજ તૃતીય ક્રમે વિજેતા થયેલા બે વ્યક્તિઓ પૈકી પ્રથમ ક્રમે અમોદના દિલીપસિંહ અને દ્વિતીય ક્રમે વિજેતા સુઈગામના મોંઘીબેનને રૂ.૨૦-૨૦ હજારના ચેક તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટી માટલી ગામના સરપંચશ્રી રામજીભાઇને શ્રેષ્ઠ સરપંચ પુરસ્કાર એનાયત કરી રૂ.૧લાખની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે “પંચાયતી રાજની આગેકૂચ”, કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિભાગોના સ્ટોલની કૃષિમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કે.બી.ગાગીયા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી, નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. વિરાણી, શ્રી હસમુખભાઈ, પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરિયા, શ્રી પ્રભાબેન ગોરેચા,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન અને પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવ્યા હતા.


