ગાંધીનગર
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશમાં સૌથી વધુ હોબાળો બિહારમાં જાેવા મળી રહ્યો છે. બિહારના અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો છે. ગુસ્સે ભરાયેલા યુવકોએ ટ્રેનને આગ લગાવી દીધી, ત્યારબાદ પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. એટલું જ નહીં ભાજપના નેતાઓના ઘર અને પાર્ટી ઓફિસને પણ ટોળાએ નિશાન બનાવ્યા છે. આવી સ્થિતિમાં બિહારમાં ચાલી રહેલા હંગામાને લઈને ભાજપ અને જેડીયુ સામસામે આવી ગયા છે. હિંસક પ્રદર્શન પર મોટું નિવેદન આપતા બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે પોલીસ-પ્રશાસનની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. સંજય જયસ્વાલે શનિવારે કહ્યું હતું કે, વિરોધ કરવામાં કંઈ ખોટું નથી પરંતુ વહીવટીતંત્રના ઈશારે લોકોને નિશાન બનાવવામાં આવે છે, પોલીસ ચોક્કસ પક્ષના કાર્યાલયોમાં દર્શકોની જેમ કામ કરે છે. ભારતમાં જે નથી થઈ રહ્યું તે બિહારમાં થઈ રહ્યું છે. હું તેનો વિરોધ કરું છું. બીજી તરફ બિહાર જેડીયુના પ્રમુખ રંજીવ રંજને કહ્યું કે, અગ્નિપથ યોજના પર શંકા દૂર કરવાને બદલે ભાજપ વહીવટીતંત્ર પર આક્ષેપ કરી રહી છે. નીતિશ કુમાર વહીવટ સંભાળવામાં સક્ષમ છે. તેઓએ ભાજપના સંજય જયસ્વાલ પાસેથી શિક્ષણ લેવાની જરૂર નથી. ભાજપના રાજ્યોમાં હિંસા વિરુદ્ધ શું થઈ રહ્યું છે? આવી પ્રતિક્રિયા દર્શાવે છે કે તે સ્થિર નથી. જાે તેમને એવું લાગે છે તો તેઓ ત્યાં ગોળીબાર કેમ નથી કરતા. બિહારમાં ત્રણ દિવસથી ચાલી રહેલા યુવાનોના હંગામામાં બીજેપી નેતાઓના ઘર અને પાર્ટી ઓફિસને નિશાન બનાવવામાં આવી છે. સંજય જયસ્વાલના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. મધેપુરામાં ભાજપ કાર્યાલય સળગાવવામાં આવ્યું હતું.


