છોટાઉદેપુર જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મત ગણતરી કેન્દ્ર અને વિવિધ મતદાન મથકોને મુલાકાત લીધી હતી.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણીઓને આખરી ઓપ આપવાની કામગીરીમાં જોતરાઇ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાએ મત ગણતરી કેન્દ્ર તેમજ વિવિધ મતદાન મથકોની મુલાકાત લઇ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાએ સૌપ્રથમ છોટાઉદેપુર ખાતે આવેલી સરકારી પોલી ટેકનિક કોલેજ કે જયાં આગામી વિધાનસભા ચૂંટણીની મત ગણતરી યોજાવાની એ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઇ વિધાનસભા બેઠક વાઇઝ મત ગણતરી ખંડોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ ઉપરાંત તેઓએ છોટાઉદેપુર નગરમાં આવેલ શાળા નં. ૨, શહીદનગર આંગણવાડી મતદાન મથકની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. તેમજ મતદાન મથકમાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાએ છોટાઉદેપુર તાલુકાના વસેડી ખાતે પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથક, ઝોઝ ગામે ગમાણ ફળિયા પ્રાથમિક શાળાના ઝોઝ-૪, ઝોઝ ગામે બામણ ફળિયા શાળામાં આવેલા ઝોઝ-૩ મતદાન મથક, ઝોઝ પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથક તેમજ જામલા પ્રાથમિક શાળામાં આવેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન તેઓએ ભારતના ચૂંટણી પંચ પ્રમાણે મતદાન મથક ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે સંબંધિતોને સૂચના આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાની આ સંયુકત મુલાકાત દરમિયાન તેમની સાથે અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરા, મતદાર નોંધણી અધિકારી અને છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, કાર્યપાલક ઇજનેર અમરસિંહ રાઠવા, ચૂંટણી શાખાના અધિકારી/કર્મચારીઓ તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


