અમદાવાદ
બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ ગ્રામ્ય અને શહેર ડીઇઓ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના ધોરણ ૧૦ના ૫૯,૨૮૫, ધોરણ ૧૨ કોમર્સના ૩૦,૪૯૩ અને ધોરણ ૧૨ સાયન્સના ૭,૬૫૨ વિદ્યાર્થીઓ પરીક્ષા અપવાના છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધો.૧૦ના ૪૮૪૦૯ વિદ્યાર્થીઓ, ૧૨ કોમર્સના ૨૨૦૪૩ વિદ્યાર્થીઓ અને ૧૨ સાયન્સના ૫૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આમ ગ્રામ્ય અને શહેરના મળીને કુલ ૧,૭૩,૧૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યના ૮ અને શહેરના ૧૨ ઝોન એમ કુલ ૨૦ ઝોનમાં પરીક્ષા યોજાશે. જેમાં ગ્રામ્યના ૬૭ કેન્દ્રો અને શહેરના ૭૩ એમ ૧૪૦ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ કેન્દ્રોમાં ગ્રામ્યની ૯૪ અને શહેરની ૩૪૮ બિલ્ડીંગ એમ ૪૪૨ બિલ્ડિંગના કુલ ૫૯૧૮ બ્લોકમાં પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન દરેક બ્લોકમાં એક નિરીક્ષક રહેશે. આ ઉપરાંત દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. ડીઇઓ દ્વારા કલેકટર અને પોલીસ સાથે સંકલન કરીને પોલીસ બંદોબસત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના રાઇટર માટે ૮૦ અરજી આવી છે અને ગ્રામ્યમાં રાઇટર માટે ૩૫ અરજી આવી છે.ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ૨૮ માર્ચથી શરૂ થવાની છે. રાજ્યના ૧૪.૯૮ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે અમદાવાદના ૧,૭૩,૧૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કુલ ૧૪૦ કેન્દ્રો પર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.
