Gujarat

અમદાવાદની કર્ણાવતી ક્લબની હાઉઝી ઈવેન્ટમાં ૬ હજાર લોકોએ ભાગ લીધો

અમદાવાદ
અમદાવાદમાં દિવાળીનો તહેવાર જાેરશોરથી શરૂ થઈ ગયો છે. લોકો માર્કેટમાં ધૂમ ખરીદી કરી રહ્યાં છે. બીજી તરફ શહેરમાં ક્લબોમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની કર્ણાવતી ક્લબમાં સૌથી મોટી હાઉઝી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ હાઉઝીની ઈવેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં પ્રત્યેક ટીકીટની કિંમત રૂ. ૧૫૦, ત્યારબાદ બીજા રાઉન્ડમાં રૂ. ૨૦૦ અને ત્રીજા રાઉન્ડની ટીકીટ રૂ. ૩૦૦ હતી, જે બાદ રૂ. ૪૦૦. મેગા બમ્પર હાઉઝી સ્પર્ધાના વિજેતાએ રૂ. ૬૧ લાખનું રોકડ ઇનામ જીત્યું હતું. વધુમાં દરેક ટીકીટ ધારકને રૂ. ૬,૦૦૦નું ગિફ્ટ હેમ્પર પણ અપાયું હતું. સમગ્ર ઈવેન્ટને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું હતું. કર્ણાવતી ક્લબના ગ્રાઉનડમાં આયોજિત હાઉઝી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બનતા આ કાર્યક્રમે રેકોર્ડ બુક્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્લ્ડ રેકોર્ડ્‌સ ઇન્ડિયા એક પ્રતિષ્ઠિત સંસ્થાન છે, જે વિવિધ મહત્વપૂર્ણ સિદ્ધિઓને સ્વિકૃતિ આપે છે. તથા તેણે કર્ણાવતી ક્લબની હાઉઝી સ્પર્ધાને વિશ્વની સૌથી મોટી તંબોલા હાઉઝી ગેમ તરીકે પ્રમાણિત કરી છે. વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ નગીનભાઇ પટેલ અને ક્લબના બીજા મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરાયું હતું. આ પ્રસંગે નગીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વર્લ્ડ રેકોર્ડ્‌સ ઇન્ડિયા દ્વારા અમારી હાઉઝી ઇવેન્ટને પ્રમાણીત કરતાં અમે ઉત્સાહિત છીએ. અમે મહામારીના બે વર્ષ દરમિયાન બમ્પર હાઉઝી સ્પર્ધા યોજી શક્યાં ન હતાં. અમે આ વર્ષની સ્પર્ધાને વિશેષ બનાવવા ઇચ્છતા હતાં, જેથી ક્લબના મેમ્બર્સ તેની મજા માણી શકે. મેમ્બર્સના જબરદસ્ત પ્રતિસાદને કારણે હાઉઝી ઇવેન્ટ સૌથી મોટી બની છે. અમે આ રેકોર્ડ અમારા તમામ સહભાગીઓને સમર્પિત કરીએ છીએ. કર્ણાવતી ક્લબ છેલ્લાં ઘણાં વર્ષોથી તેના મેમ્બર્સ માટે હાઉઝી ગેમનું આયોજન કરે છે, પરંતુ આ વર્ષે પહેલીવાર વિજેતાને રૂ. ૧.૨૫ કરોડના મૂલ્યોના ઇનામો અપાયા હતાં. તે રાજ્યની પણ સૌથી મોટી હાઉઝી ગેમ બની છે. વધુમાં કોવિડ-૧૯ મહામારીને કારણે બે-ત્રણ વર્ષના અંતરાલ બાદ મોટાપાયે હાઉઝી ગેમનું આયોજન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *