અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર અંગે વિવાદ થઈ રહ્યો છે પરંતુ સરકાર આ અંગે ધ્યાન આપતી નથી પોતાના વિધાનસભાની ચુંટણીને લઈને વ્યસ્ત હોય તેમ જણાઈ રહી છે. રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે અનેક વાર રાજય સરકારને ટકોર કરી છે અમદાવા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ટકોર કરી છે પરંતુ જેસે થે વૈસેની નિતી સાથે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. રખડતા ઢોરના ત્રાસથી અનેક લોકોના જીવ થયા છે તો અનેક લોકોને હાથ, પગ, મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને ટાંકા આવ્યા તો પ્લેટો નંખાવી છે ત્યારે અમદાવાદના રાયપુર વિસ્તારમાં રસ્તે જતા રાહદારી સિનિયર સિટીઝનને ગાયે શીંગડું મારતા તેમનુ ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું છે. બનાવની વિગત એવી છે કે, રાયપુર વિસ્તારમાં આવેલા ગામડીવાળા બિલ્ડિંગમાં રહેતા દીપકચંદ્ર જગન્નાથ ત્રિવેદી (ઉં.૬૬) ૧૧ જુલાઈએ ૮ વાગ્યાની આસપાસ પોતાના રહેણાક નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે દીપકચંદ્રને ગાયે શીંગડું મારતા તેઓ રસ્તા પર પડી ગયા હતા. ત્યાર બાદ ગાયે ફરી તેમને મારવા માટે શીંગડું ઉગામતા તેમણે બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગાય સહિતનાં ઢોરોને ત્યાંથી હાંકી કાઢી તેમને વધુ મારથી બચાવ્યા હતા. દીપકચંદ્રને પગે ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
