Gujarat

“અમને મળ્યો સખીમેળાનો સાથ, *હવે કોઈ સામે નથી લંબાવવો પડતો હાથ”

મહિલાઓના સપનાઓ સાકાર કરવાની સીડીનું એક મહત્વનું પગથિયું એટલે સરકાર દ્વારા યોજાતા સખીમેળા કોઈપણ કામ નાનું નથી હોતું,  કલાકારીગરીમાં અમારો હાથ અને કમાણીમાં સરકારના સાથથી આર્થિક રીતે પગભર બન્યાં છીએ: વૈશાલીબહેન વ્યાસ
 ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથના આંગણે સખીમેળો કાર્યરત છે. જ્યાં આંખોમાં સપના અને હૈયામાં કશુંક કરી બતાવવાની ખેવના સાથે રાજ્યભરના અલગ અલગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સખીમંડળની બહેનોએ ભાગ લીધો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના રોનક સખી મંડળના વૈશાલીબહેન વ્યાસ પણ આવાજ એક બહેન છે. જેઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું વેંચાણ કરી આર્થિક રીતે પગભર બન્યાં છે.  મહિલાઓ સ્વબળે જ સમાજમાં પોતાનું અલગ જ સ્થાનબનાવી ગૌરવપૂર્ણ રીતે જીવી શકે તે માટે વૈશાલીબહેન સખીમેળાને એક ઉત્તમ માધ્યમ ગણેછે.
વૈશાલીબહેન રોનક સખીમંડળ સાથે જોડાયેલા છે અને ડ્રેસના વેસ્ટ નીકળતા કાપડ તેમજ તેમના રેસાઓમાંથી સુંદર અને આકર્ષક હેન્ડમેડ વર્કપીસ બનાવે છે. વૈશાલીબહેન આ વેસ્ટમાંથી બેસ્ટકારીગરીના માધ્યમથી ગળાના હાર, બાજુબંધ, લગ્નસરાના ઝૂમખા, કમરબંધ, કટીમેખલા તેમજ ઉનની દોરી અને મોતીનો ઉપયોગ કરીને પણ વિવિધ પ્રકારના વર્કપીસ બનાવીને વેચી રહ્યાં છે. આ રીતે તેઓ કમાણી કરીને પરિવારને પણ મદદરૂપ થઈ રહ્યાં છે.
જૂના કપડાઓ, ફાટીગયેલી ચાદર, જૂના જીન્સના પેન્ટ વગેરેમાંથી જોઈતા રેસા અને કાપડ અલગ કરીને વૈશાલીબહેન હાથગૂંથણની મદદથી જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવે છે. વર્કપીસ બનાવવાની પદ્ધતિવિશે તેમણે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ જૂની વસ્તુઓમાંથી મટિરિયલ મેળવે છે અને પછી તેને જરૂરિયાત અનુસાર ફાઈબરમાં ચોંટાડીને આકર્ષક મોબાઈલ સ્ટેન્ડ, ચાવી રાખવાના સ્ટેન્ડ, રિમોટ સ્ટેન્ડ વગેરે વસ્તુઓ પણ બનાવે છે. વૈશાલીબહેનનું કહેવું છે કે, કોઈપણ કામ નાનું નથી હોતું.  કલાકારીગરીમાં અમારો હાથ અને કમાણીમાં સરકારના સાથથી આર્થિક રીતે પગભર બન્યાં છીએ.
વૈશાલીબહેનનું માનવું છે કે, સરકાર દ્વારા યોજાતા સખીમેળા મહિલાઓના સપનાઓ સાકાર કરવાની સીડીનું એક મહત્વનું પગથિયું છે. તેઓ કહે છે કે, સખીમેળો મહિલાઓને આત્મગૌરવપૂર્વક જીવતાં શીખવાડે છે. સખીમેળામાંથી થતી કમાણી વડે કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી અને ઘરમાં આર્થિક રીતે જીવનનિર્વાહમાં પણ મદદરૂપ થઈ શકીએ છીએ. વૈશાલી બહેનને તેમની એક મિત્ર દ્વારા સરકારના સખીમેળાઓ વિશે જાણ થઈ હતી અને ત્યારબાદ વહીવટી તંત્રની મદદથી તેઓ સખીમેળામાં ભાગ લઈને સિઝન દીઠ 20,000 સુધીની કમાણી કરતાં થયાં છે.
જ્યારે વૈશાલીબહેને વેસ્ટમાંથી બેસ્ટ કલા કારીગરીની વસ્તુઓ વેચવાની શરૂ કરી હતી ત્યારે તેમની કમાણીની ઝડપ ધીમી રહી હતી પરંતુ હવે રાજકોટ, વડોદરા તેમજ મુંબઈ જેવા શહેરોમાં પણ તેમની વિવિધ વસ્તુઓ એક્સપોર્ટ થઈ રહી છે. આ રીતે આત્મબળે પગભર બની વૈશાલીબહેન પ્રેરણાસ્ત્રોત બન્યા છે અને અન્ય મહિલાઓને પણ સખીમંડળમાં જોડાવા માટે ભારપૂર્વક પ્રોત્સાહન આપી દિશાદર્શન પણ કરી રહ્યાં છે.

IMG-20220727-WA0488.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *