Gujarat

અમરેલીના કડીયાળી ગામના ખેડુતને રોગ મટાડવાના બહાને ૩.૩૦ લાખ પડાવ્યા

અમરેલી
જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગોપાલદાસબાપુ નામના ઠગ સાધુ અને બે અજાણ્યા શખ્સો દ્વારા આ છેતરપીંડી આચરવામા આવી હતી. ગભરૂભાઇને સંતાનમા ૧૯ વર્ષનો ભાવેશ નામનો પુત્ર છે જે ડાયાબીટીસની બિમારીથી પીડાઇ રહ્યો છે. ગત તારીખ ૨૪-૨ના રોજ પોતાના પરિવાર સાથે ઘરે હતા ત્યારે સાધુના વેશમા ગોપાલદાસ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. અને દાન દક્ષિણા લીધી હતી. ગભરૂભાઇએ પોતાના પુત્રની બિમારી વિશે વાત કરતા તેણે આબુમા રહેતા પોતાના ગુરૂ દવા બનાવી આપશે તેવી ખાતરી આપી હતી. અને ગભરૂભાઇ સાથે મોબાઇલ નંબરની આપલે કરી હતી. ત્યારબાદ એકાદ માસ પછી તેમના મોબાઇલમા આ ગોપાલદાસના ગુરૂનો ફોન આવ્યો હતો અને બધા દુખ દુર થઇ જશે તેમ કહી વિધી કરવા માટે રૂપિયા ૫૧૦૦નો ખર્ચ જણાવ્યો હતો. અને ચોટીલા બોલાવી અંધકારમા ધાર્મિક વિધી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરી તેમને મોબાઇલ કોલ કરી રૂપિયા ૫.૨૫ લાખ ધુપ વિધી માટે મંગાવ્યા હતા. ગભરૂભાઇએ સગાસંબંધીઓ પાસેથી અને પત્નીના દાગીના વેચી સવા ત્રણ લાખની રોકડ એકઠી કરી હતી. અને ગુરૂના જણાવ્યા મુજબ તેમણે મોકલેલા શખ્સને આ રકમ આપી હતી. ત્યારબાદ આ શખ્સે ન તો કોઇ દવા મોકલી કે ન તો વિધી કરી અને તેના ફોન બંધ થઇ ગયા હતા. જેથી પોતાની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતા આખરે તેમણે જાફરાબાદ શહેર પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી. ૩.૨૫ લાખની રોકડ રકમ હાથમા આવી ગયા બાદ કહેવાતા ઢોંગી ગુરૂએ બીજા દિવસે ફોન કરી એવુ કહ્યું હતુ કે મારો અકસ્માત થયો છે અને હું હમણા તમારી પાસે વિધી અને દવા માટે નહી આવી શકુ. ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો. ગભરૂભાઇને ત્રણ શખ્સોએ તંત્રવિદ્યાની મોહજાળમા એવા ફસાવ્યા હતા કે તેમણે રકમ ચુકવવા માટે પત્નીના દાગીના વેચી દીધા હતા. એટલુ જ નહી સગાસંબંધી પાસેથી પણ ઉછીની રકમ લઇ તાંત્રિકને ચુકવી હતી.જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના યુવકના પુત્રને ડાયાબીટીસની બિમારી હોય સાધુ વેશે આવેલા શખ્સે અન્ય બે શખ્સોની સાથે મળી ડાયાબીટીસની દવા બનાવી આપવા અને વિધી કરી આપવાના બહાને રૂપિયા ૩.૩૦ લાખની છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. છેતરપીંડીની આ ઘટના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકી (ઉ.વ.૪૩) નામના ખેડૂત સાથે બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *