અમરેલી
સાવરકુંડલાના એક યુવાને પોતાના આડા સંબંધમા નડતરરૂપ બની રહેલી પત્નીને લીલીયાના લોકા ગામે સુરધનના દર્શને જવાનુ કહી અવાવરૂ જગ્યામા લઇ જઇ ગળાટુંપો દઇ હત્યા કરી નાખી હતી અને લાશ દાટી દીધી હતી. છ મહિના બાદ આખરે હત્યાનો ભાંડો ફુટતા પોલીસે મહિલાની લાશના અવશેષો કબજે લીધા હતા. લીલીયા પંથકમા વધુ એક ચકચારી હત્યાની ઘટના બહાર આવી છે. ભેદભરમ ભરેલી આ ઘટનામા સાવરકુંડલામા આકાશી મેલડી માતાના મંદિર પાસે વાડી વિસ્તારમા રહેતા સુરેશ રાજાભાઇ સોલંકી નામના શખ્સે પોતાની પત્ની શોભાની ગળાટુંપો દઇ હત્યા કરી નાખ્યાનુ ખુલ્યુ છે. તેણે હત્યાની આ ઘટનાને તારીખ ૨૭/૪/૨૦૨૨ના રોજ અંજામ આપ્યો હતો અને ચાલાકીપુર્વક તેણે પરિવારથી આ ઘટના છુપાવી રાખી હતી. હકિકતમા સુરેશ સોલંકીને આરતી જેરામ પરમાર નામની યુવતી સાથે આડો સંબંધ હતો. જેમા પત્ની શોભા નડતરરૂપ બની રહી હતી. જેથી સુરધનના દર્શન કરવાના બહાને લોકીની સીમમા લઇ જઇ રૂમાલ વડે ગળાટુંપો દઇ હત્યા કરી લાશ ખાડામા દાટી દીધી હતી. આ શખ્સ સુરત કમાવા જાઉ છુ તેમ કહી બાળકો સાથે ઘરેથી નીકળી ગયો હતો. પરંતુ લાંબા સમય સુધી મહિલાનો માવતર સાથે સંપર્ક ન થતા અને ફોન પણ બંધ આવતો હોય શંકા જતા પુછપરછ કરાઇ હતી. સુરેશ સોલંકીના પરિવાર દ્વારા તે કમાવા માટે સુરત ગયો છે તેવો જવાબ મળતો હતો. આખરે મામલો પોલીસ સુધી પહોંચતા આગવીઢબે પુછપરછ કરાઇ હતી. જેથી તેણે પોતાના આડા સંબંધમા નડી રહેલી પત્નીની હત્યા કરી નાખી હોવાની કબુલાત આપી હતી. અને હત્યાનુ સ્થળ પણ પોલીસને બતાવ્યું હતુ. હવે પોલીસે મૃતક શોભાબેનના ભાઇ બાબરાના રમેશભાઇ ઘોહાભાઇ દાણાવાડીયાની ફરિયાદ પરથી સુરેશ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ આગળની તપાસ ઇન્ચાર્જ પીઆઇ કે.સી.રાઠવા ચલાવી રહ્યાં છે. શોભાબેનના ભાઇ રમેશભાઇએ જયારે સુરેશના સાવરકુંડલા ખાતે રહેતા પિતાને પુછપરછ કરી ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે બંને કમાવા માટે સુરત ગયા છે. બાદમા તેણે એવુ પણ કબુલ્યુ હતુ કે સુરેશ સાથે આરતી નામની યુવતી પણ છે. સુરેશ સોલંકીએ લીલીયાના લોકા ગામની સીમમા અવાવરૂ જગ્યાએ પત્નીની લાશ ખાડામા નાખી હતી. રમેશભાઇ દાણાવડીયાએ જણાવ્યું હતુ કે તેની બહેનનુ માત્ર હાડપીંજર મળ્યું હતુ. મૃતક શોભાબેનને સંતાનમા ત્રણ દીકરી અને એક દીકરો છે. માતાની હત્યા થઇ જતા આ ચારેય સંતાનો પણ નોંધારા બન્યાં છે. મૃતક શોભાનો છ માસથી સંપર્ક થતો ન હોય મામલો હાઇકોર્ટમા લઇ જવાયો હતો. કોર્ટે તેને હાજર કરવાનો હુકમ પણ કર્યો હતો પરંતુ સુરેશ સોલંકી તેને હાજર ન કરી શકતા ભાંડો ફુટયો હતો.

