અમરેલી
અમરેલીના વડિયા પોલીસે આ બારામા અનુ સિંધી નામની યુવતી તથા એક અજાણ્યા મોબાઇલધારક સામે ગુનો નોંધ્યો છે. ખજૂરી પીપળિયા ગામના જગદીશ ભીખાભાઇ પરમાર (ઉં.વ.૩૮)એે ૨૩મી તારીખે પોતાની વાડીએ જઇ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. જે-તે સમયે યુવકના ગળાફાંસો ખાવાનું કારણ સ્પષ્ટ થયું ન હતું, પરંતુ બાદમાં પરિવારજનો દ્વારા યુવકની ડાયરીની અને મોબાઇલના સોશિયલ મીડિયાની ચેટની તલાશી લેવામાં આવતાં સુસાઇડ નોટ મળી હતી. મૃતક જગદીશે ડાયરીના બે પેજમાં લખેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને એક છોકરી બ્લેકમેઈલ કરે છે, જેનું નામ અનુ સિંધી છે અને મારો ઓપન વીડિયો અપલોડ કરે છે, જેને કારણે હું મરી જાઉં છું. આ યુવકના સોશિયલ મીડિયાની ચેટ ચેક કરાતાં એક મોબાઇલ નંબર પરથી તેનો નગ્ન વીડિયો વાઇરલ કરવાનો મેસેજ કરાયો હતો અને પૈસે કબ ભેજ રહે હો, પેમેન્ટ કા કયાં હુઆ, વીડિયો ડિલિટ કર દુ યા અપલોડ કર દુ જેવા મેસેજ કરાયેલા હતા. આમ, અનુ સિંધી નામની યુવતી અને મોબાઇલમા મેસેજ કરનાર શખસ દ્વારા તેને અવારનવાર બ્લેકમેઇ કરી માનસિક રીતે પરેશાન કરવામા આવતો હતો અને બીભત્સ વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાતી હોવાથી તેણે ગળાફાંસો ખાવાનું પગલું ભર્યું હતું. વધતા સાયબર ક્રાઇમ વચ્ચે આ વિસ્તારના યુવાનોને ફસાવી તેના બનાવટી નગ્ન વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી નાણાં પડાવવાની ઘટનાઓ ટપોટપ સામે આવી રહી છે. આવી છેતરપિંડીનો ભોગ બનેલા લોકો બદનામીના ડરથી ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે, જેને કારણે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે. વળી, આવું નેટવર્ક દેશના દૂરસુદૂરનાં રાજયોમાંથી ચલાવાતું હોવાથી પોલીસને ત્યાં પહોંચવું મુશ્કેલ બને છે. મૃતક જગદીશે આપઘાત કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટમાં બે મોબાઇલ નંબર લખ્યા હતા, જેના પરથી કોલ તથા ચેટ કરી તેને બ્લેકમેઇલ કરવામાં આવતાં હતાં. આ બે મોબાઇલ નંબરના આધારે પોલીસને સમગ્ર નેટવર્કનો ભેદ ખોલવામાં સરળતા રહેશે, જે પૈકી એક નંબર પોલીસનો હોવાની ખોટી ઓળખ પણ અપાઈ હતી.વડિયા તાલુકાના ખજૂરી પીપળિયા ગામના એક યુવાનનો સોશિયલ મીડિયાના માધ્યમનો દુરુપયોગ કરી બાદમાં બીભત્સ વીડિયોના આધારે તેને બ્લેકમેઇલ કરી નાણાં પડાવવાનો પ્રયાસ થતાં અને વારંવાર વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાતાં આ યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું છે. અમરેલી પંથકમા આ પ્રકારે બ્લેકમેઇલિંગનું મોટું નેટવર્ક ચાલે છે. વ્હોટ્સએપ કોલ પર યુવતી કપડાં કાઢવાનું કહે તો ચેતી જવું અને આ પ્રકારના ફોન તરત કાપી નાખવા.


