જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરતા લોકો સામે કાર્યવાહી કરવા તાકીદ
કોવીડ રસીકરણ, રૂટિન રસીકરણ, સંચારી રોગ નિયંત્રણ, ટોબેકો કંટ્રોલ જેવા વિવિધ વિષયોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ
અમરેલી, તા. ૨૨ ફેબ્રુઆરી
અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં આજે આરોગ્ય તંત્રના અધિકારીશ્રીઓ સાથે કોવીડ રસીકરણ, રૂટિન રસીકરણ, સંચારી રોગ નિયંત્રણ, ટોબેકો કંટ્રોલ જેવા વિવિધ વિષયોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
તાજેતરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલ બાબતે ગંભીરતાથી ચર્ચા કરતા જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ સબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવો એ અત્યંત જોખમકારક નીવડી શકે તેમ હોવાથી આવું કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.
તમાકુના સેવન બાબતે ચર્ચા કરતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે તમાકુનું સેવન અટકાવવા લોકોએ પોતે જ જાગૃત થવું ખુબ જરૂરી છે. અને આ સામાજિક બદલાવ આવશે તો તમાકુના દુષણથી આવનારી પેઢીને દૂર રાખી શકીશું. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ સ્કૂલ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમાકુ નિયંત્રણને લગતા સેમિનાર, વર્કશોપ, સેમિનાર યોજવા સબંધિત અધિકારીશ્રીને સૂચના આપી હતી.
કલેક્ટરશ્રીએ જિલ્લામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિભાગની સાથે મળી ધુમ્રપાન પ્રતિબંધિત વિસ્તારમાં ગુનાનો ભંગ કરતા લોકોને દંડ કરવા તેમજ અન્ય ભીડભાડવાળી જગ્યાએ વધુને વધુ કેસો કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ નગરપાલિકા વિસ્તારોમાં નગરપાલિકાના અધિકારીઓને સ્વચ્છતા અને કોઈ જગ્યાએ પાણી જમા ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા આદેશો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલએ સમગ્ર જિલ્લામાં ચાલતી રૂટિન ઇમ્યુનાઇઝેશન, કોવીડ-૧૯ વેક્સિનેશનની આંકડાકીય માહિતી આપી જિલ્લા કલેકટરશ્રીને માહિતગાર કર્યા હતા. બેઠકમાં આઈ.એમ.એ.ના તબીબી અધિકારીશ્રી, પ્રાંતઅધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, મેડિકલ ઓફિસરશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ તેમજ અન્ય સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


