Gujarat

અમરેલી જિલ્લાની આ વખતની વિધાનસભાની ચૂંટણી ક્યાંક નવા આશ્ર્ચર્યો ન સર્જે?

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આમ ગણો તો હવે વિધાનસભાની ચૂંટણીના મતદાન સમયને ગણ્યાગાઠ્યાં દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે અમરેલી જિલ્લાના વિધાનસભાની ચૂંટણીનો ખૂબ જ સચોટ ચિતાર રજૂ કરવામાં ભલભલા રાજકીય ચૂંટણી વ્યૂહ રચનાકારો પણ ગોથું ખાઈ રહ્યા હોય એવો માહોલ દિનપ્રતિદિન ઉપસ્થિત થતો જાય છે. અમરેલી જિલ્લાની આ વખતની વિધાનસભાની ચૂંટણી ઐતિહાસિક બનવા જઈ રહી છે. લોકોના મન અકળ છે. પરંતુ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ સીટો અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ ગણીએ તો આ ચૂંટણીના રણસંગ્રામના પ્રતિદિન તમામ પક્ષોની રણનીતિ પણ જીતવા માટે બધું જ કરી છૂટવા ભગીરથ પ્રયાસો થતાં જોવા મળે છે. આમ ગણીએ તો ચૂંટણીના એક મતની કિંમત પણ ઘણી વખત હાર જીત બની જતી હોય છે એટલે તમામ પક્ષો ખૂબ ફૂંકી ફૂંકીને સામા પક્ષને ભરી પીવા સતત અવનવા પ્રયોગો પણ કરતાં જોવા મળે છે. આમ પણ વર્ષોથી અમરેલી જિલ્લો એ રાજનીતિનું હબ બનેલું જોવા મળે છે. અમરેલીએ જ ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપેલ. વળી કેન્દ્ર લેવલે પણ અહીંની રાજનીતિએ ઘણો મહત્વનો રોલ ભજવેલ છે. એક સમયે અમરેલી, અલ્હાબાદ અને અમેઠીની ગણના રાષ્ટ્રીય લેવલે રાજનીતિમાં થયેલી છે. અહીં પક્ષ સાથે ઉમેદવારનો પ્રભાવી ચહેરો પણ મહત્ત્વનો રોલ ભજવે છે. પાટીદાર ફેક્ટર પણ અમરેલી જિલ્લામાં ખૂબ જ નિર્ણાયક રોલ ભજવતું આવેલ છે. ઓછામાં પૂરૂં આ વર્ષે આમ આદમી પાર્ટીનું આગમન પણ કોંગ્રેસ, ભાજપને માત આપવા પોતાના ઉમેદવારો વિધાનસભાની દરેક બેઠક પર ઉતાર્યા છે. રંગ રસાકસીનો છે. અમરેલી જિલ્લાનો આ ચૂંટણી સંગ્રામ એવો ચકરાવે ચડ્યો છે કે હાલ તો કોના કિસ્મતમાં અમરેલી જિલ્લાની કઈ વિધાનસભાની બેઠક ફળશે એ તો સંપૂર્ણ ભર્યા નાળિયેર જેવું છે. તમામ ઉમેદવારો જીતના મોટા દાવાઓ કરે છે પરંતુ ખોંખારો ખાઈને હજુ સ્પષ્ટરીતે કશું કહી શકાય તેવુ પ્રથમ દ્રષ્ટિએ લાગતું નથી. આમ આદમી પાર્ટીની ગેરંટી કાર્ડ યોજનાએ પણ આમ જનતામાં ખાસું કૂતુહલ જમાવ્યું છે. ભાજપ પણ પોતાના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણને મજબૂત કરવાના સંકલ્પ સાથે ચૂંટણી જંગમાં ઊતરેલું છે તો કોંગ્રેસ મોંઘવારી બેરોજગારી જેવા આમ જનતાને ખૂબ સ્પર્શતાં મુદ્દાઓ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જોઈએ હવે શું થાય છે.? એક વાત ચોક્કસ કે જેમ જેમ ચૂંટણીના દિવસ નજીક આવતો જાય છે જંગ ખૂબ રોમાંચક રસપ્રદ બનતો જાય છે. અંતિમ પત્તું ટ્રમ્પ કાર્ડ કોણ ઉતરશે. અને તેના પ્રતિભાવો કેવા હશે? એ તો સમય જ કહેશે..અમરેલી જિલ્લામાં વડાપ્રધાન મોદી સાહેબની જાહેર સભા પણ પરિણામોને પલટી શકે છે તો રાહુલ ગાંધીની જાહેર સભા પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતું હોય તેવું લાગે છે અને અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ જનમેદનીમાં કેજરીવાલની સભાએ પણ તમામ રાજકીય પક્ષો માટે ચિંતનનો વિષય તો ઉપસ્થિત કરી જ દીધો છે.. એમ કહેવાય છે કે  મહાભારત કાળમાં કુરુક્ષેત્રનાં  રણમેદાનની સજ્જતાથી પણ બે વેંત ચડે એવો અમરેલી જિલ્લાનો આ વિધાનસભાનો રણસંગ્રામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *