અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અમરેલી પોલીસ કટિબધ્ધ શાંતિ અને સુમેળ જાળવવા જાહેર જનતાને અપીલ
આર્મીમાં અગ્નિપથ સ્કીમ હેઠળ યુવાનોની ભરતી કરવાની યોજનાનો દેશના કેટલાક રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધના ભાગરૂપે કેટલાક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા આવતી કાલ તા.૨૦/૦૬/૨૦૨૨ ના રોજ “ભારત બંધ” નું એલાન કરવામાં આવેલ છે અને આ બંધના એલાનને સફળ બનાવવા વધુમાં વધુ સંખ્યામાં માણસોને જોડાવા અને વિરોધ પ્રદર્શિત કરવા માટે સોશિયલ મિડીયામાં મેસેજ વાઇરલ કરવામાં આવેલ છે.
કેટલાક અસામાજિક અને લેભાગુ તત્વો દ્વારા આ મોકાનો ફાયદો ઉઠાવીને પોતાના અંગત સ્વાર્થ અને ફાયદા માટે લોકોને ખોટી રીતે ઉશ્કેરણી કરી, સરકારશ્રી વિરૂધ્ધ ગેરસમજ ઉભી કરી, વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી, કાયદો હાથમાં લઇ, જાહેર મિલકતને નુકશાન પહોંચાડવાનું દુષ્લેરણ કરી રહ્યા છે.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સુચના અને માર્ગદર્શન આપી ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલીંગ રાખવામાં આવેલ છે તેમજ સોશિયલ મિડીયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને અમરેલી જિલ્લાની જનતાની માલ-મિલકતની સુરક્ષા માટે કટિબધ્ધ અને સતત પ્રયત્નશીલ છે. ઉપરોક્ત ગેરકાયદેસર ભારત બંધના એલાનને સમર્થન કરનાર અને કાયદાનો ભંગ કરનાર તેમજ કાયદો હાથમાં લેનાર વ્યક્તિ વિરૂધ્ધ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જાહેર માલ-મિલકતનું રક્ષણ અને જતન કરવાની અને સરકારી તંત્રને સહકાર આપવાની સર્વેની નૈતિક ફરજ અને જવાબદારી છે. જેથી કોઇ પ્રકારની અફવાઓ કે પ્રલોભનોથી પ્રભાવિત નહીં થવા અને સોશિયલ મિડીયામાં વાયરલ કરવામાં આવેલ ઉશ્કેરણીજનક મેસેજ તથા અફવાઓથી દુર રહેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.


