અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા, મિલકત અને શરીર સબંધી ગુનાઓ અટકાવવા માટે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ તથા અમરેલી જિલ્લા પોલીસ સતર્ક, કટિબધ્ધ અને સતત કાર્યરત છે.
આજ તા.૦૫/૦૧/૨૦૨૧ ના વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલ એક્સીસ બેંકમાં ગેરકાયદેસર ઘુસણખોર ઘુસ્યો છે તેવી જાણ બેંકની ઇનબિલ્ટ વોર્નિંગ સીસ્ટમ દ્વારા બેંકના મેનેજરશ્રી તથા બેંકની હેડ ઓફિસને થયેલ હતી. બેંક મેનેજરશ્રી યોગેશભાઇ ગોત નાઓએ આ અંગે જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને ફોનથી જાણ કરતાં, જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા સતર્કતા દાખવી, તુર્ત જ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી ડી.એ.તુવરનાઓને આ બાબતે જાણ કરી, તાત્કાલિક એક્શન લેવા માટે જણાવેલ હતું.
જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમની વર્ધી અન્વયે પો.સ.ઇ.શ્રી ડી.એ.તુવર તથા તેમની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, જગ્યાને કોર્ડન કરી, ચેક કરતાં, બેંકના પાછળના ભાગની લોખંડની ગ્રીલ તુટેલ હાલતમાં જોવામાં આવતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન બેંકમાં ઘુસેલ વ્યક્તિ, બહાર આવેલ અને પોતાની પાસે રહેલ લોખંડના રોડ વડે પો.સ.ઇ.શ્રી ડી.એ.તુવરને માથાના ભાગે મારી, અન્ય પોલીસ સ્ટાફ પર હુમલો કરેલ હતો. પો.સ.ઇ.શ્રી ડી.એ.તુવરનાઓએ બહાદુરી અને હિંમતપુર્વક ઘુસણખોરનો સામનો કરી, તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સ્વબચાવમાં આરોપીના પગ ઉપર પોતાની સર્વિસ પીસ્ટલ દ્વારા એક રાઉન્ડ ફાયરીંગ કરેલ હતું. જેમાં આરોપીને ઇજા પહોંચી હતી. આ સમગ્ર બનાવમાં પો.સ.ઇ.શ્રી ડી.એ.તુવર તથા તેમની ટીમે ખુબ જ હિંમતપુર્વક અને બહાદુરી દાખવી, ખુંખાર આરોપીને જીવના જોખમે પકડી પાડી, એક જ ખુબ જ મોટી બેંક ઘરફોડ બનતા અટકાવી છે.
બ પકડાયેલ આરોપીની વિગતઃ
ધરમપ્રીતસીઘ મેજરસીંઘ, ઉં.વ.૨૭, રહે.બહમનીવાલા. તા.પટ્ટી, જી.તરન તારન (પંજાબ).
સ્વબચાવમાં પોલીસે કરેલ ફાયરીંગથી આરોપીને પગમાં ઇજા થયેલ હોય, આરોપીની પ્રાથમિક સારવાર રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે કરાવેલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ બેંકમાં ઘરફોડ, પોલીસની ઉપર હુમલો, પોલીસને જાનથી મારી નાંખવાની કોશિશ, પોલીસની ફરજમાં રૂકાવટ તથા ચોરીની કોશિશ અંગે ગુનો રજી. કરવામાં આવેલ છે. આરોપી હોસ્પિટલમાંથી સારવારમાંથી મુક્ત થયેથી તેની ધરપકડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે,
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી પંજાબમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી ખુબ જ ખૂંખાર અને પોલીસ ઉપર હુમલા કરવાની ટેવ વાળો છે. પકડાયેલ આરોપીને બેંકમાં ઘરફોડ કરવાના ગુનાને અંજામ આપવા અન્ય કોઇ વ્યક્તિએ સહકાર આપેલ છે, કોઇએ અગાઉ બેંકની રેકી કરેલ છે, ગુનાને અંજામ આપતી વખતે કોઇએ ધ્યાન રાખેલ છે કે કેમ, જેવા મુદ્દાઓ અંગે પોલીસ તપાસ શરૂ છે.
બનેલ બનાવ અંગે જાણ થતાં, એફ.એસ.એલ. તથા સિનિયર અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગયેલ છે અને ત્યાંના સી.સી.ટી.વી. ફુટેજ તથા ઘટનાસ્થળ પરથી મળી આવેલ પુરાવાઓ એકત્રિત કરી, પકડાયેલ આરોપી વિરૂધ્ધ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસે સતર્કતા અને સમયસુચકતાથી બેંકમાં મોટી ઘરફોડ થતી અટકાવી, જીવના જોખમે બહાદુરીપુર્વક ખૂંખાર આરોપીને પકડી પાડી, સેવા, સુરક્ષા અને શાંતિના સુત્રને યથાર્થ બનાવતી દ્રષ્ટાંતરૂપ કામગીરી કરેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

