આણંદ
લોકો ક્રાઈમ કરતા અચકાતા જ નથી લોકોને પોલીસ, સત્તાનો જાણે ડર જ રહ્યો નથી ત્યારે આણંદ શહેરના ઉમા ભવન પાસે ધોળા દિવસે ફિલ્મી ઢબે આવેલા બે બાઇક સવારે વિદ્યાનગર જીઆઈડીસીની ફેક્ટરીના એકાઉન્ટન્ટને આંતરી તેની પાસે રહેલા રોકડ રૂ. ત્રણ લાખ ભરેલો થેલો ઝુંટવી ફરાર થઇ ગયાં હતાં. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આણંદના નાવલી ગામમાં સરકારી દવાખાના પાછળ આવેલી જલારામ સોસાયટીમાં રહેતા યોગેશ રમણભાઈ પટેલ છેલ્લા ૩૦ વર્ષથી વિદ્યાનગરની જીઆઈડીસીની શાહ ઇલેટ્રોનિક્સ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓએ અંગત કામસર તેમના ઓળખીતા પાસે મદદ માંગી હતી. જેમણે આંગડિયામાં રોકડા રૂ.ત્રણ લાખ મોકલ્યાં હતાં. આથી, યોગેશભાઈ આંગડિયામાં પહોંચી રોકડ લઇ તેમના સ્કૂટરની ડીક્કીમાં થેલો મુક્યો હતો અને સ્કૂટર લઇ તેઓ નિકળ્યાં હતાં. આ દરમિયાન ઉમા ભવન પાછળ પહોંચતા બે બાઇક સવાર અજાણ્યા શખસો તેમની પાસે આવી ચડ્યાં હતાં. આ શખસોએ યોગેશભાઈને ફિલ્મી ઢબે આંતર્યા હતા અને તેમના સ્કૂટર આડે બાઇક મુકી દીધું હતું. બાદમાં બન્ને શખસોએ અકસ્માત અંગે ઝઘડો શરૂ કર્યો હતો. યોગેશભાઈ સાથે ઝઘડો કરી ઝપાઝપી શરૂ કરી હતી. જેમાં સિફ્તતાપૂર્વક રોકડા રૂપિયા ત્રણ લાખનો થેલો કાઢી બન્ને જણા બાઇક લઇ ભાગી ગયાં હતાં. આ ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે યોગેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકે બે અજાણ્યા શખસ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે. આણંદ શહેર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ આધારે બન્ને બાઇક સવાર શખસોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે. જાેકે, બીજી તરફ આ બન્ને બાઇક સવારો આંગડિયા પેઢીથી જ યોગેશભાઈનો પીછો કરતાં હોવાની શંકા ઉપજી છે. બાદમાં તક મળતાં તેઓએ અકસ્માતનું બહાન કાઢી ઝઘડો કર્યો હોવાનું અનુમાન છે.
