કલેકટર શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની પરિક્રમાનું આગવું મહત્વ રહેલું છે. તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે આ ભાવિકોને અસુવિધા ન થાય તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના પગલે ગત બે વર્ષ દરમિયાન લીલી પરિક્રમાનું આયોજન થઈ શક્યું ન હતું.
આગામી સમયમાં લીલી પરિક્રમાના વધુ સુદ્રઢ આયોજન માટે સાધુ સંતો અને સેવાભાવી સંસ્થાઓના સંચાલકો અને અન્ય સંબંધિતો સાથે પણ બેઠક યોજવામાં આવશે.
આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર પ્રજાલક્ષી કાર્યક્રમના સુચારું આયોજન માટે પણ કલેક્ટરશ્રીએ જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
