ગિરગઢડા
ભરત ગંગદેવ..
કૃષિ એ સમગ્ર દેશનું ‘હૃદય’ છે. ગુજરાતની ધરતીને રાસાયણિક ઝેરથી મુક્ત કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે. ધરતીના તાતને બીજથી લઈ બજાર સુધીની કૃષિને લગતી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાની નેમ સાથે જ ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતીની દિશામાં કામ કરી રહી છે. આ જ હેતુને અનુલક્ષીને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઈણાજ ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ઉભું કરવામાં આવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો પોતાની ઉપજ સારા ભાવથી વેચી શકે તે અર્થે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ અને જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે એક બજાર વ્યવસ્થા તરીકે પ્રાકૃતિક કૃષિ હાટ ઉભું કરવામાં આવેલ છે.
આ પ્રાકૃતિક કૃષિ હાટમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો સારા ભાવથી શાકભાજી, કઠોળ, અનાજ તેમજ ફળફળાદી વગેરે ઉત્પાદનો વેચી શકશે. આ પ્રાકૃતિક કૃષિ હાટનું શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી આર. ડી. ખતાલે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બજાર હેઠળ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે કુલ ૯ સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તેમજ આસપાસના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના જંતુનાશક દવાઓ અને રસાયણ મુક્ત ખેત ઉત્પાદનો ખરીદવા ઈચ્છતા ખરીદદારોને આ સ્થળની મુલાકાત લેવા જિલ્લા પંચાયત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. ખેડૂતોની આવક આવનાર સમયમાં બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં આ પહેલ ખેડૂતોના હિતમાં મદદરૂપ બનશે.