આણંદ
ઠાસરા તાલુકાના ધરકુણીયા વિસ્તારમાં રહેતો ૨૫ વર્ષીય લાલજી સોમાભાઈ ઠાકોર ગત ડિસેમ્બરમાં ઉમરેઠના સુરેલી ગામની એક સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. આ અંગેની પોક્સો કલમ હેઠળ ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. અને ગત ૨૬મી જાન્યુઆરીના રોજ તેની ધરપકડ કરી સમગ્ર તપાસ બાદ તેને આણંદ સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. એ પછી તે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. જેલમાં એએસઆઈ જયરામભાઈ પ્રભાતભાઈ, કોન્સ્ટેબલ વિપુલ ભીખા, જગદીશ માલા અને હર્ષદ ચંદુ ફરજ પર હાજર હતા. કેદીઓને કુદરતી હાજત માટે બહાર કાઢવામાં આવતા હતા. એ સમયે બેરેક નંબર ૭માં રખાયેલા લાલજીભાઈ રાઠોડને પણ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની નજર ચુકવીને છેલ્લા બાથરૂમના દરવાજાનો સહારો લઈને છાજલી પરથી ઉપર ચઢી જઈને પાછળના ભાગે આવેલા એમટી પોલીસ લાઈન વિસ્તારમાં કુદીને ફરાર થઈ ગયો હતો. જાેકે, તે ચઢ્યો એ સાથે જ બીજા એક કેદીએ બનાવની હકીકત પોલીસને જણાવી હતી. જેને પગલે પોલીસ તુરંત જ બહાર દોડી આવી બુમરાણ મચાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરોપી ક્યાંય પલાયન થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ બાદ જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય, આરોપીને ઝડપી પાડવા માટે એલસીબી, એસઓજીની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ઉપરાંત તેમના સંબંધીઓના ઘર પર વોચ રાખી આરોપીને આગામી ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવે તેવી કવાયત હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટના સંદર્ભે વાત કરતા જેલર ચિરાગભાઈ દેસાઈએે જણાવ્યું હતું કે, હાલમાં સાત બેરેકમાં ૩૫ કેદીની કેપેસિટી છે. જેમાં સોમવાર સુધીમાં કુલ ૫૪ કાચા કામના કેદી હતા. આ ઉપરાંત ચાર પોલીસકર્મીઓનો સ્ટાફ તૈનાત હોય છે. જાેકે, સામાન્ય રીતે કેદીની સંખ્યા વધતી હોય ત્યારે તેમને બિલોદરા ટ્રાન્સફર કરાતા હોય છે.
