અમદાવાદ
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓ માહિતી મેળવી રહ્યાં છે. મનીષ સિસોદિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે હું ગુજરાતની મુલાકાતે આવ્યો છું. ગુજરાતમાં છેલ્લાં ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે મને ગુજરાતની શાળાઓ જાેવાની ઉત્સુકતા છે કે ભાજપે સરકારી સ્કૂલોમાં કેટલો બદલાવ કર્યો અને સુધારો કર્યો. આજે હું સ્કૂલોની મુલાકાત લેવા આવ્યો છું. તેઓ ગુજરાતની સ્કૂલ-કોલેજાે ક્યારે ઠીક નહીં કરી શકે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવાનું કામ નહીં કરે અને કહેશે કે જેને આ વ્યવસ્થા ન ગમતી હોય એ ગુજરાત છોડીને દિલ્હી જાય તો તેની સમાજ પ્રત્યેની દૃષ્ટિ શું છે? શું સમાજ આ રીતે આગળ વધી શકશે? કોઈએ ડરવાની કે ગુજરાત છોડવાની જરૂર નથી. આઠ મહિના પછી ગુજરાતમાં આપની સરકાર બનાવશે અને અમે સારી સુવિધાવાળું શિક્ષણ આપીશું. દિલ્હીમાં જે સારી સ્કૂલો બની છે એવી અમે ગુજરાતમાં બનાવીશું. સિસોદિયા આજે ભાજપ સરકાર દ્વારા સંચાલિત સરકારી સ્કૂલઓની મુલાકાત લેશે અને પોતે ભાજપ સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો હિસાબ લેશે અને દેશ તથા ગુજરાતની જનતા સમક્ષ લાવશે. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે જાે ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ કર્યું નથી તો આમ આદમી પાર્ટી તેને ગુજરાતની જનતા સુધી લઈ જશે. ગુજરાતમાં યુવાનો માટે સારું શિક્ષણ અને નોકરીની વ્યવસ્થા અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલના શાસનના મોડલથી જ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુધારી શકાય છે.


