Gujarat

‘આપ’ પાર્ટી પાસે જાહેર કરાયેલાં ઉમેદવારોના ફોટા,મોબાઇલ નંબર,બાયોડેટા જ નથી!

અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના માત્ર બે ઉમેદવારો જ જાહેર કરવાના બાકી છે. ઉમેદવારો વહેલાં જાહેર કરવાની લ્હાયમાં આમ આદમી પાર્ટીએ ભાંગરો વાંટયો હોવાના અનેક કિસ્સાઓ એક પછી એક સામે આવતા જાય છે. યુવરાજસિંહ અને મહિપતસિંહના કિસ્સા નજર સામે છે. નવાઇ અને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે, આમ આદમી પાર્ટી પાસે જાહેર કરાયેલાં ઉમેદવારોના ફોટા, મોબાઇલ નંબર તેમ જ બાયોડેટા નહીં હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો છે. જાે હોય તો તેમણે તાત્કાલિક જાહેર કરવા જાેઇએ. તેના પરથી એવી ચર્ચા ઉઠી છે કે,ઉમેદવારોને જાણ કર્યા વગર જ આમ આદમી પાર્ટી બારોબાર નામ જાહેર કરે છે? જાે કે આ અંગે આમ આદમી પાર્ટી તરફથી સ્ટાફ ઓછો છે, પગાર વગર સેવા કરીએ છીએ તેમ જ પીડીએફ તૈયાર કરી રહ્યાં હોવાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇચ્છુક ઉમેદવાર દ્વારા જે તે બેઠક પર દાવેદારી કરવામાં આવતી હોય છે. એટલું જ નહીં પરંતુ તેમાં તેમના બાયોડેટા, ફોટાથી માંડીને તેમણે કરેલી કામગીરીની તમામ પ્રકારની વિગતો આપવામાં આવતી હોય છે. ત્યારબાદ પાર્ટી દ્વારા જે તે બેઠકનો સર્વે કરાવવામાં આવે છે. જયાં સ્થાનિક આગેવાનોથી લઇને કાર્યકરોની સેન્સ તેમ જ સ્થાનિક રહીશોમાં ચાલતી ચર્ચા વગેરેની સમીક્ષા કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ઉમેદવારોના નામો જાહેર થતા હોય છે. તે સમયે જે તે પક્ષ પાસે તમામ ઉમેદવારોની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ હોય તે સ્વાભાવિક છે. આ વખતે ૧૮૦ જેટલા ઉમેદવારો જાહેર કરી દીધાં છે અને માત્ર બે ઉમેદવારો જ જાહેર કરવાના બાકી છે. ઝડપથી ઉમેદવારો જાહેર કરવાના કારણે પક્ષના મીડિયા વિભાગમાં સીમિત સ્ટાફ હોવાથી અંધાધૂંધી ફેલાઇ ગઇ છે. પરિણામે તેમની પાસે તમામ ઉમેદવારોના ફોટા,બાયોડેટા કે મોબાઇલ નંબર ગુજરાત પ્રદેશની કચેરીમાં આવેલા મીડીઆ સેન્ટર પાસે ઉપલબ્ધ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. મીડીઆ કો-ઓર્ડીનેટર તથા પ્રવકતાના જણાવ્યા મુજબ તેમની પાસે બધું જ ઉપલબ્ધ છે. પરંતુ ટૂંક સમયમાં તમામ બાબતો સીસ્ટમમાં ગોઠવાઇ જશે તેવી શેખી મારી હતી. ઉમેદવારોની યાદીમાં ઘણાં ઉમેદવારોના મોબાઇલ નંબર તેમ જ બાયોડેટા નહીં હોવાનું જણાઇ આવ્યું છે. અમૂક ઉમેદવારોના બાયોડેટા જ તેઓ પુરા પાડી શક્યા હતા. બીજા પછી આપવાની વાત કરી હતી. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યું છે કે, ઉમેદવાર સાથે વાતચીત થયા પછી જ અમે જાહેર કરીએ છીએ. તેમના બાયોડેટા, ફોટા અમારી પાસે તેઓ સભ્યપદે નોંધાયા ત્યારથી છે. અમે જયારે જયારે ઉમેદવારો જાહેર કર્યા ત્યારે તેમના નામો સાથે ફોટા તેમ જ મોબાઇલ નંબર જાહેર કરીએ છીએ. હા હજુ બધું એક સાથે કર્યું નથી. તે અમે તૈયાર કરી રહ્યાં છીએ. તેઓએ મીડીયા અને સંગઠન વચ્ચે સંકલન નહીં હોવાની વાતનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે, તમને લાગતું હશે પણ અમને એવું લાગતું નથી. અમે ભાજપ અને કોંગ્રેસની જેમ પગારદાર માણસો નથી. અમે પ્રદેશ કક્ષાએ મીડીયામાં માત્ર ત્રણ માણસો કામ કરીએ છીએ. અમારા પાસે અનેક પ્રકારની જવાબદારીઓ છે. આ કામ ટૂંક સમયમાં થઇ જશે. ઉમેદવારોના નામો જાહેર કરતાં પહેલાં આમ આદમી પાર્ટી દ્રારા સર્વે કરાવવામાં આવે છે. સર્વેના રિપોર્ટના આધારે ઉમેદવારો જાહેર કરવામાં આવતાં હોવાનું આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું પરંતુ તે કઇ એજન્સી પાસે સર્વે કરાવવામાં આવ્યો તે જણાવી શક્યા ન હતા. આમ આદમી પાર્ટી તરફથી એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે માતર બેઠક પરથી મહિપતસીંહ ચૌહાણનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉમેદવારે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. છતાં પણ તેને ટિકીટ આપવામાં આવતાં સૌ કોઇ અચરજમાં મૂકાઇ ગયા હતા. ઉમેદવાર જાહેર થયેલાં મહિપતસીંહ ચૌહાણ ખુદ પોતે પણ અવાક થઇ ગયા હતા. આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *