ભાવનગર
ઇસ્ટ આફ્રિકામાં આવેલા ટાંઝાનિયા દેશના ટાપુ ઝાંઝીબાર ખાતે મોરારીબાપુના મુખેથી રામચરિત “માનસ રામ રક્ષા”ના નામાભિધાનથી ૯૦૩મી કથા તા.૧૦ સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય સાંજના છ કલાકે પ્રારંભ થયો હતો, અત્રે યાદ રહે કે ઝાંઝીબાર બંદર એક સમયે ધમધમતું સમુદ્રી બંદર હતું. આ બંદર પર ગાંધીજી વિલાયતના પ્રવાસ માટે સમુદ્રી મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં ઉતર્યા હોવાનો ઉલ્લેખ તેઓ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં કર્યો છે. બંદર ખૂબ રમણીય ચોતરફ દરિયા કિનારાથી ધેરાયેલો એક ટાપુ છે. મોરારીબાપુએ પ્રથમ દિવસે પોતાની વાણીને મુખર કરતાં કહ્યું કેસ હું ઇસ્ટ આફ્રિકા ઘણીવાર આવ્યો છું. કદાચ પહેલી રામકથા વિદેશમાં લઈને પણ ઇસ્ટ આફ્રિકાના કેન્યાના પાટનગર નેરોબી આવ્યો હતો. કથાના યજમાન નિમિત્ત માત્ર પરિવાર નિલેશભાઈ જસાણી અને રામસ્થ રમાબેને કથા સિવાય કશું માગ્યું નથી. અહીં સીતાજીની ખોજમાં નીકળેલાં ભગવાન રામ, જટાયુ, શબરી વગેરેનો ઉદ્ધાર કરીને આખરે પંપા સરોવર પહોંચે છે. ત્યારે ત્યાં નારદજીનો ભેટો થાય છે અને નારદજી એવો સવાલ કરે છે કે તમે મારા લગ્નએ વિશ્વ મોહિની સાથે થતાં અટકાવ્યા કેમ અને તેના પ્રત્યુતરમાં ભગવાન રામ “રામ રક્ષા સ્ત્રોત” સંભળાવે છે. આજની કથામાં મહાત્મ્યની પણ વિશેષ ચર્ચા થઈ. પ્રથમ દિવસની કથામાં ઉપસ્થિત ભારતમાં હાઈ કમિશનર વિનયભાઈ પ્રધાને પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે નજીકમાં આવેલું દારે સલામ કે જ્યાં ૩૫૦૦૦ જેટલા ભારતીય વસે છે અને હું બાપુને વિનંતી કરું છું કે આપ એક દિવસ માટે દારે સલામ પણ પધારો. તેઓએ પોતાના જીવનમાં રામચરિત માનસ કેવી રીતે વણાયું છે તે વાત પણ પ્રસ્તુત કરી હતી. કથા યજમાન ટીનાભાઈના પરિવાર દ્વારા સૌ સ્વાગત અને કથાનું આયોજન પ્રસ્તુત થયું હતું. આ કથામાં ગુજરાતના સાહિત્ય જગત અને ધર્મ જગત સાથે જાેડાયેલાં સૌ પણ કથા શ્રવણનો લાભ મેળવી રહ્યાં છે.ભારતથી ટાન્ઝાનિયાનો સમય બે કલાક પાછળ હોય છે.દારેસલામ તેનું પાટનગર છે અને તે ઝાઝિબારથી ૧૦૦ કિમી દુર છે.


