Gujarat

ઉત્તરપ્રદેશના લખનૌમાં સંસ્કૃત શાસ્ત્રાર્થમાં ગુરુકુળ સ્વામીએ પ્રથમ ક્રમ મેળવ્યો

સુરત
સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના રક્ષણ કરવાના ઉદ્દેશ સાથે તાજેતરમાં ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે સંસ્કૃત શાસ્ત્રાર્થનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા વિવિધ ધર્મોના વિદ્વાનોએ ભાગ લીધો હતો. ગુજરાતમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય-ધર્મના વિદ્વાન તરીકે ગુરુકુળના વેદાંતાચાર્ય વિદ્વાન શાસ્ત્રી સ્વરૂપદાસજી સ્વામીએ સંસ્કૃત શાસ્ત્રાર્થમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગૌરવભરી સિદ્ધિ મેળવી છે. સ્વરૂપદાસજી સ્વામીએ શાસ્ત્રાર્થમાં જુદા જુદા રાજ્યો અને ધર્મના ૨૬ વિદ્વાનોની વચ્ચે ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મનો પરસ્પર સમન્વય કઈ રીતે કરી શકાય?’ એ વિષય ઉપર સચોટ શાસ્ત્રોક્ત પ્રમાણો આપી છણાવટ કરી હતી. જેમાં સ્પષ્ટ ભાષા, તર્કબદ્ધ અને જ્ઞાનસભર વર્ણનશૈલી, સચોટ નિરૂપણ તેમજ બોડી લેંગ્વેજને આધારે શ્રેષ્ઠ વક્તા તરીકેનો એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. લખનૌ ખાતે સ્વામી અભયાનંદ સરસસ્વતીજીની અધ્યક્ષતામાં આયોજિત શાસ્ત્રાર્થમાં સ્વરૂપદાસજી-નવસારી તથા સુરત ગુરૂકુલના વિદ્વાન સંતોની ટીમ સાથે ભાગ લીધો હતો. જેમાં વિદ્વાનોએ જુદા જુદા વિષયો ઉપર છણાવટ કરવાની હતી. સરસ્વતીજી સન્મુખ મૂકેલા કળશમાંથી ચિઠ્ઠી ઉપાડીને તેમાં લખેલા વિષય ઉપર ૧૦ મિનિટ છણાવટ કરવાની રહેતી. જેના નિર્ણાયક તરીકે બનારસ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસરો મનોજ દિક્ષીત તથા આઝાદ મિશ્ર હતા. વક્તાએ આપેલા વક્તવ્ય ઉપર પ્રશ્નોત્તરી થતી. જેમાં વિદ્વાન અને પૂર્વ આઇએએસ અધિકારી ચંદ્રમણિસિંહ તથા સર્વેશચંદ્ર મિશ્રાના નેતૃત્વમાં વિદ્વાનો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવતાં હતાં. ગુજરાત માટે ગૌરવની વાત એ રહી કે, શાસ્રાર્થ પૂર્ણ થયા બાદ વિદ્વાનો તથા અધિકારીઓએ સ્વામિનારાયણ ધર્મ અને તેના સંતોના નિયમો અંગે માહિતી મેળવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. શાસ્ત્રાર્થમાં સંતોની મર્યાદા જળવાઈ રહે તે વ્યવસ્થા ગુરૂકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી શૈલેષભાઈ કાકડિયાએ કરી હતી. અયોધ્યા હનુમાન ગઢી મંદિરના મહંત પૂજ્ય બલરામદાસજી મહારાજે પોતાના આશ્રમમાં સંતો સાથે બેસીને શાસ્ત્રોક્ત ગોષ્ઠી કરી હતી. અયોધ્યામાં વિવિધ તીર્થના દર્શન તેમજ સરયૂ નદીમાં સ્નાન તથા ભગવાન સ્વામિનારાયણના જન્મ સ્થળ છપૈયા ધામે સંતોએ દર્શન કર્યા હતાં. સંતો સુરત વેડરોડ ગુરૂકુલ પધારતાં તેમની આ ગૌરવસિદ્ધિ બદલ મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ પુષ્પહાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતાં.

Swami-of-Gurukul-got-first-rank-in-Sanskrit-Shastrartha.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *