ઉના પ્રાંત કક્ષાને ૧૧૨ લોકાર્પણ તેમજ ૧૦૫ ખાતમુહૂર્ત એમ રૂ.૫.૪૫ કરોડના વિકાસકાર્યોની મળી ભેટ
પેવરબ્લોક, ગટર, બોર, પંપ તેમજ ટાંકી, સમ્પના કામ, પાઈપલાઈનના કામો, સ્કૂલોમાં સાયન્સ લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, ડોર ટૂ ડોર ઈ-વ્હીકલ, કચરાના નીકાલ માટે કન્ટેનર (ટ્રોલી), સોલાર રૂફટોપ જેવી સુવિધાઓ આવરી લેવાઈ
સરકાર દ્વારા રાજયમાં તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ જિલ્લા તથા પ્રાંત કક્ષાના લોકાર્પણ4 ખાતમુહૂર્ત અંગે “વિશ્વાસથી વિકાસ યાત્રા’નું આયોજન થયું છે. જે દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ4 ખાતમૂહૂર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમની ઉજવણી થશે. જે અંતર્ગત ઉનામાં પણ નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ રૂ.૫.૪૫ કરોડના ખર્ચે ઉના પ્રાંત કક્ષાના ૧૧૨ લોકાર્પણ તેમજ ૧૦૫ ખાતમુહૂર્તના કામો આવરી લેવામાં આવ્યા હતાં.
ઉનામાં યોજાયેલા વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.૧.૫૦ કરોડના ખર્ચે ઉના તાલુકામાં ૫૩, રૂ. ૦.૮૧ કરોડના ખર્ચે ગીરગઢડામાં ૩૬ અને રૂ.૦.૫૨ કરોડના ખર્ચે કોડીનારમાં ૨૩ લોકાર્પણ કામ આવરી લેવાયાં છે. જ્યારે ઉનામાં રૂ.૦.૭૮ કરોડના ખર્ચે ૨૪, ગીરગઢડામાં રૂ.૦.૬૯ કરોડના ખર્ચે ૩૮ અને કોડીનારમાં ૧.૧૫ કરોડના ખર્ચે ૪૩ ખાતમુહૂર્તના કામનો સમાવેશ થાય છે. આમ ઉના પ્રાંતને ૧૧૨ લોકાર્પણ તેમજ ૧૦૫ ખાતમુહૂર્તના કામ એમ કુલ રૂ. ૫.૪૫ કરોડના ખર્ચે કુલ મળી ૨૧૭ કામની ભેટ મળી છે.
આ તમામ કામમાં પેવરબ્લોકના કામ, સમ્પના કામ, પાઈપલાઈનના કામો, સ્કૂલોમાં સાયન્સ લેબ, ગટરના કામ, સ્માર્ટ ક્લાસરૂમ, ડોર ટૂ ડોર ઈ-વ્હીકલ, કચરાના નીકાલ માટે કન્ટેનર (ટ્રોલી), મધ્યાહ્ન ભોજન ઓટો તથા શેડ, બોર, પંપ તેમજ ટાંકી, સોલાર રૂફટોપ, ડસ્ટબીન, વનીકરણ, સ્મશાનની દિવાલ, હાટ બજાર, સ્નાનઘાટ, આર.સી.સી ડ્રેનેજ પાઈપ, શાળાઓમાં ટોઈલેટ બ્લોક વગેરે કામોનો સમાવેશ થાય છે.
આ તકે ઉના પ્રાંત અધિકારી જે.એમ.રાવલે કહ્યું હતું કે, લોકશાહી સરકાર બે રીતે કામ કરે છે. પહેલું સરહદના સીમાડાની રક્ષા કરી અને સુરક્ષા પૂરી પાડવી તેમજ બીજું જનસુખાકારી માટે સતત કાર્યશીલ રહી દેશના લોકોનું હીત સાધવું. આજે આરોગ્યથી લઈ આંગણવાડી અને પંચાયતથી લઈ ખેતીવાડી સુધી તમામ ક્ષેત્રમાં સરકાર ડિજીટલ બની છે. જેથી લોકોને ઝડપી પરિણામ મળી શકે. આ રીતે જ ઉના પ્રાંતમાં પણ સરકારે વિકાસકાર્યોની હેલી વરસાવી છે અને લોકોપયોગી તમામ પ્રકલ્પોને આવરી લેવાયા છે. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પિયુષભાઈ જોશીએ જ્યારે આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી જાડેજાએ કરી હતી.
આ તકે પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ પાંચીબેન ચારણીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રૂડાભાઈ શિંગોડ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કાળુભાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી સહિત તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચ, ચીફ ઓફિસર તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


