છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની અધ્યક્ષતામાં એકદિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી.
આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુલક્ષીને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જે પૈકી ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચ દ્વારા નકકી કરવામાં આવેલી ખર્ચની મર્યાદામાં જ ચૂંટણી ખર્ચ કરે એના પર દેખ રેખ અને નિયંત્રણ રાખવા માટે એકસ્પેન્ડીચર મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે આ એકદિવસીય કાર્યશાળામાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય એ માટે દરેક ઉમેદવાર ચૂંટણી પંચ દ્વારા નકકી કરવામાં આવેલી મર્યાદામાં જ ખર્ચ કરે છે કેમ એ જોવાની જવાબદારી આ કમિટીની છે. એમ કહી તેમણે લોકશાહીમાં સૌને ચૂંટણી લડવાની સમાન તક મળે એ માટે આ ખર્ચનું નિય્ંત્રણ કરવું જરૂરી છે અમે જણાવ્યું હતું.
બેઠક દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરીએ ખર્ચ નિયંત્રણ અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓ તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને અન્ય કાયદાઓ અંતર્ગત આ અંગે કરવામાં આવેલી જોગવાઇઓ અંગે વિગતે જાણકારી આપી હતી.
આ ઉપરાંત તેમણે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ખર્ચ નિયંત્રણ અંગેની આ કમિટી દ્વારા રચવામાં આવેલી વિવિધ ટીમો જેવી કે, ફ્લાઇંગ સ્કવોડ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમની કામગીરી અંગે પણ વિગતે જાણકારી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ ફ્લાઇંગ સ્કવોડમાં સામેલ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા નાણા તેમજ મતદાતાઓને પ્રલોભન આપી શકાય એવી વસ્તુઓના હેરફેર પર નિયંત્રણ રાખવાના ઉદ્દેશથી રચવામાં આવી છે. આપણી કામગીરી દરમિયાન કોઇ પણ નાગરિકને કોઇ મુશ્કેલી ન પડે તે રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે એ ઇચ્છનીય છે એમ જણાવ્યું હતું.
બેઠકમાં નાયબ કલેકટર-૧ એ.જી.ગામીત, ચૂંટણી મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિ, ચૂંટણી શાખાના અન્ય અધિકારી/કર્મચારીઓ, વિવિધ ટીમના ટીમલીડરો, પોલીસ વિભાગના કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

