Gujarat

એક જ ગામના ૧૮ યુવાનો વીજ કંપનીઓમાં ભરતી થયા

ગાંધીનગર
ઊર્જા વિભાગ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલી ભરતીઓમાં વ્યાપક ગેરરીતિ થઈ છે. જેટકોમાં એક જ ગામ બાયડના ચોઇલા ગામના ૧૮ યુવાનને નિમણૂક અપાઈ છે, જે સીધી રીતે શક્ય નથી. બેઠક નંબર એક જ સિરીઝમાં હોય તેવા ૬ ઉમેદવાર મેરિટ લિસ્ટમાં ટોપ ૬માં આવ્યા હતા. આ તમામના નંબર સિરિયલવાઇઝ ટોપ મેરિટમાં કેવી રીતે આવી શકે તે પ્રશ્ન છે. યુવરાજસિંહે પરીક્ષામાં પૈસા આપીને પાસ થયેલા કેટલાક ઉમેદવારોનાં નામ પણ જાહેર કર્યાં હતાં. આ ગેરરીતિઓમાં અરવલ્લી જિલ્લાનો બાયડ વિસ્તાર એપી સેન્ટર છે. ઊર્જા વિભાગ દ્વારા ઓનલાઇન પરીક્ષાના સંચાલન માટે મહારાષ્ટ્રની એનએસઇઆઇટી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ અને વીજ કંપનીના અધિકારીઓ પણ આ ગેરરીતિમાં સામેલ હોવાનો આક્ષેપ કરાયો છે. ઊર્જા વિભાગ ઓનલાઇન એમસીક્યુ આધારિત પરીક્ષા લે છે. યુવરાજસિંહના આક્ષેપ મુજબ જે ઉમેદવાર સાથે રૂપિયાની લેવડદેવડ થઈ હોય તેનો સીટ નંબર કંટ્રોલ રૂમમાં આપી દેવાય છે. આ ઉમેદવારે માત્ર કમ્પ્યુટર સામે બેસવાનું હોય છે. તેના ઓનલાઇન પેપરમાં કન્ટ્રોલ રૂમમાંથી સાચા વિકલ્પ પર આપોઆપ ટિક માર્ક થઈ જાય છે. ઉમેદવારો પાસેથી એક લાખ એડવાન્સ લેવાય છે. યુવરાજસિંહે કહ્યું કે, વચેટિયામાં બાયડનો ભાજપના યુવા મોરચાનો મહામંત્રી અવધેશ પટેલ મુખ્ય છે. ઉપરાંત અરવિંદ પટેલ, પ્રજાપતિ શ્રીકાંત શર્મા- વડોદરા, ટ્યૂશન ક્લાસ સંચાલક અજય પટેલ, શિક્ષક હર્ષદ નાઇની ભૂમિકા છે. યુવરાજસિંહે ટૂંકા ગાળામાં બીજું ભરતી કૌભાંડ બહાર પાડતાં સરકારમાં પણ ખળભળાટ મચી ગયો હતો. આ આક્ષેપોના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ કર્યા હતા. જાેકે પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું છે કે, જે આક્ષેપો થયા છે તેની તટસ્થ તપાસ થશે અને તથ્ય જણાશે તો કસુરવારો સામે પગલાં લેવાશે. જેટકોની પરીક્ષા વધુ કડકાઈથી ચાલુ રહેશે.રાજ્ય સરકારના ઊર્જા વિભાગ હસ્તકની ચાર વીજ વિતરણ કંપનીઓ અને જેટકોમાં જુનિયર એન્જિનિયરની ભરતી માટેની પરીક્ષા ચાલુ હતી એ જ વખતે વિદ્યાર્થી નેતા અને હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યાનું જાહેર કરનારા યુવરાજસિંહ જાડેજાએ વીજ કંપનીઓની ભરતીમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને રૂપિયા લઈને પાસ કરાવવાનું કૌભાંડ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જુનિયર એન્જિનિયરની ભરતી માટેની ઓનલાઇન પરીક્ષામાં ૨૧ લાખ રૂપિયા લઈને ઉમેદવારોને પાસ કરાતા હોવાની માહિતી યુવરાજસિંહે જાહેર કરી હતી. તેમણે વચેટિયાઓના નામ પણ જાહેર કર્યા હતા, જે પૈકી કેટલાક પરીક્ષા કેન્દ્રો પર હાજર હોવાની માહિતી તેમના વાહન નંબર સાથે જાહેર કરી હતી. યુવરાજસિંહે કહ્યું કે, જેટકોની જુનિયર એન્જિનિયરની પરીક્ષામાં પણ ગેરરીતિ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પ્રાંતિજ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર મિતુલ પટેલ નામનો ઉમેદવાર હાજર હતો, જેનો કાર નં. જીજે-૯એજી-૦૩૯૩ છે. ઉપરાંત આકાશ પટેલ, મહેન્દ્ર પટેલ, ઇશ્વર પટેલનાં નામ પણ જાહેર કર્યાં હતાં. આ પરીક્ષામાં પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના યુવાનોને પાસ કરાવીને નોકરી અપાવવાનું ષડ્યંત્ર હોવાનો આક્ષેપ યુવરાજસિંહે કર્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ જ સમાજના સૌથી વધુ ઉમેદવારો પાસ થઈને આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *