અમદાવાદ
એમબીબીએસમાં દર વર્ષે જુન-જુલાઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ ૩૧મી ઓગસ્ટ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાય છે અને સપ્ટેમ્બરમાં એકેડમિક ટર્મ શરૃ કરી દેવાય છે.એમસીઆઈના અગાઉના કેલેન્ડર મુજબ દર વર્ષે કોમન એકેડમિક કેલેન્ડર મુજબ દેશમાં એમબીબીએસનો કોર્સ ભણાવાય છે અને પ્રવેશ થાય છે.જાે કે આ વર્ષે કોરોનાને લીધે નીટ જ્યાં મોડી લેવાતા પરિણામ મોડુ આવવા સાથે પીજી નીટ-કાઉન્સેલિંગમાં અનામતના વિવાદને લઈને ૨૦૨૧ની બેચના યુજી-પીજી મેડિકલ પ્રવેશ ખૂબ જ મોડા થયા છે. એમબીબીએસના પ્રવેશ લગભગ સાત મહિના જેટલા મોડા થયા છે.જેને લઈને નેશનલ મેડિકલ કમિશન દ્વારા ૨૦૨૧ની બેચ માટે ખાસ એકેડેમિક કરિક્યુકલમ સ્ટ્રકચર અને કરિક્યુલમ કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે. જે મુજબ ૧૪મી ફેબ્રુઆરીથી શૈક્ષણિક સત્ર-એકેડમિક ટર્મ શરૂ કરી દેવાશે. એક મહિનાનો ફાઉન્ડેશન કોર્સ કે જે પ્રથમ પ્રોફેશનલ વર્ષમાં સમાવી લેવાશે અને પ્રથમ પ્રોફેશનલ વર્ષ ૧૩ મહિનાને બદલે ૧૧ મહિનામા પુરૂ કરી દેવાશે. ફાઉન્ડેશન કોર્સ સામાન્ય પણે ટીચિંગના કલાકો બાદ ભણાવાનો રહેશે અથવા સપ્તાહના અંતે કે પછી રજાઓના દિવસોમાં ભણાવાનો રહેશે. ફર્સ્ટ,સેકન્ડ અને થર્ડ પ્રોફેશનલ્સ યરમાં ઉનાળુ અને દિવાળી વેકેશન પણ ઘટાડી દેવાશે. દરેક પ્રોફેશનલ યરમાં ટ્રેનિંગ એક મહિનાની કરી દેવાશે. ફાઈનલ પ્રોફેશનલ એક્ઝામ્સ જુન ૨૦૨૬માં લઈ લેવાની રહેશે. જાે કે ક્લિનિકલ અને પ્રેક્ટિકલમાં કોઈ પણ કાપ નહી મુકાય તેમજ ઈન્ટર્નશિપ પણ એક વર્ષની પુરી રહેશે. નેશનલ મેડિકલ કમિશને સૂચવેલા કેલેન્ડર મુજબ ૫૩ માસમાં એમબીબીએસનો પાંચ વર્ષનો કોર્સ પુરો કરાશે તેમજ જુલાઈ ૨૦૨૬માં ઈન્ટર્નશિપ શરૂ કરી દેવાની રહેશે.દર વર્ષે ઉનાળુ અને શિયાળુ વેકેશન એક-એક સપ્તાહ જેટલુ ઘટાડી દેવાશે.
