સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
એક વાત તો સ્પષ્ટ છે કે હજુ તો ઉગીને ઊભા થયેલાં માસૂમ બાળકોને શાળા અને ટ્યુશન જેવાં સ્થાનોમાં શૈક્ષણિક વિકાસ માટે કેદ કરી દેવા એ શૈશવનાં શમણાંનો વિનાશ જ ગણાય. આમ તો ખૂબ નાનેથી હજુ તો બાળકને પોતાનું નાક સાફ કરતાં પણ ન આવડતું હોય તેવી અવસ્થામાં કોઈ અજાણ્યા હાથમા ખાનગી ટયુશન માટે મોકલી દેવું એ શૈશવ માટે કુઠારાઘાત સમાન જ છે. હા બાળ અવસ્થા હમેશાં ચંચળ હોય છે, એને રમવું, ભમવું, રમકડાં અને ગમતાં ગીતો ગાવાનાં વધુ ગમે છે એવી અવસ્થામાં વન પ્લસ વન ઈઝ ઈકવલ ટુ ટુ. આ બાબતો તેનાં રસ અને રુચિભંગ કરનાર સાબિત થાય છે. પરંતુ આજની હાઈટેક જનરેશન અને એમાં પણ આ ડીઝીટલ યુગ..!!વળી સ્પર્ધાત્મકતા પેલાંનુ બાળક આગળ વધી જશે અને મારું પાછળ રહી જશે તો..! બસ કંઈક આવા ભાવથી આ માસૂમ બાળકો માટે ટયુશન અર્થાત્ વિશેષ પ્રશિક્ષણની ભ્રમિત માયાજાળ રચાય છે. અરે ભાઈ આ અવસ્થામાં બાળકને ટયુશન નહીં પરંતુ મેદાની રમતો, ધૂળમાં રમવું, ગારાના રમકડાં બનાવવા વગેરે ખૂબ ગમતું હોય છે. આ શબ્દો સાહજિક રીતે નિકળેલો શૈશવનો વસવસો જ છે. સ્પર્ધાત્મકતાની ઘેલછામાં આપણે આપણાં બચ્ચાનું બાળપણ તો નથી છીનવી રહ્યાં ને?? જીવનનું સાચું સાતત્ય અને સૌંદર્ય જીવનની ગમતી પળોને માણવાની છે. બાકી આ ક્ષણભંગુર જગતમાં કેટલાય આવ્યાં અને ગયાં જીવન તો મહેંકે એ જ શ્રેષ્ઠ મુરઝાયેલું જીવન તો બસ એક મશીન સમાન જ ગણાય..