અમદાવાદ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ત્રીજી લહેર પીક પર જવાની તૈયારી હોય એવો અત્યારે ઉછાળો છે. ઓછામાં ઓછા લોકોને ઓક્સિજન અને આઈસીયુની જરૂર પડે એવી વ્યવસ્થા સરકારે કરી છે. સરકારે એસઓપી પ્રજા સમક્ષ મૂકી છે, જેનું પાલન કરવાની જવાબદારી લોકોની છે. બધા નિષ્ણાત મુજબ ઓમિક્રોન માઇલ્ડ છે, પરંતુ માસ્ક ન પહેરી, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીએ અને વેક્સિન ના લીધી હોય તો એનાથી સંક્રમિત થવાય. પ્રજાએ એસઓપીનું પાલન કરવું પડશે. માસ્ક માટે દંડનીય કાર્યવાહી ન કરીએ તેની જવાબદારી લોકોની છે. લોકોએ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા એસઓપીનું પાલન કરવું પડશે. નવી એસઓપીપરિસ્થિતિ મુજબ લાવીશું. સેલ્ફ કિટથી જે ટેસ્ટ કરે છે તેની માહિતી અમારી પાસે નથી આવતી.ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. એક જ દિવસમાં ૧૭ હજારથી વધુ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતો થયો છે. જાેકે સરકારને ૧૭ હજાર કેસ થયા ત્યારે કોવિડ ટાસ્કફોર્સ યાદ આવી છે. બેકાબૂ બનેલી સ્થિતિને ડામવા માટે સરકારે ટાસ્કફોર્સ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની કોવિડ ટાસ્કફોર્સનાં સભ્યો ડૉ. વી. એન. શાહ, સુધીર શાહ, આર. કે. પટેલ, અમીબહેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકર સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ ટાસ્ક ફોર્સના સભ્યોએ ઓમિક્રોન હળવો ભલે હોય પણ હળવાશથી ન લેવાની સલાહ આપી હતી. ટાસ્કફોર્સની બેઠક બાદ ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે નવો વેરિયન્ટ ઓમિક્રોન આવી ગયો છે. ૬૦થી ૭૦ ટકા ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિયન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેક્સિન નથી લીધી એ અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી. અગાઉની દવા કારગત નીવડી નથી. ઓમિક્રોન અંગે વિસ્તારથી માહિતી આપતા ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે અત્યારે કોરોના કેસો વધે છે, એમાં ઓમિક્રોનનો વધારો થયો. ગત વર્ષે એપ્રિલ, મે અને જૂનમાં તકલીફ પડી હતી. આ રોગને ફેલાતો અટકાવવો જરૂરી છે તો જ કેસો ઓછા આવશે. અત્યારે ઓમિક્રોન છે અને ગત વર્ષે ડેલ્ટા હતો અને બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો જ નથી. ડેલ્ટા તોફાની વેરિયન્ટ હતો. શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે, જેને કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. ડેલ્ટા હતો ત્યારે વેક્સિનેશન ઓછું હતું. અત્યારે મોટા ભાગે લોકો વેક્સિનેટેડ છે.
