ભુજ
ઓસ્ટ્રેલિયાના પર્થમાં કાર ક્રેશ થઈ જવાની ઘટનામાં ભુજ તાલુકાના નારણપર અને કોડકી ગામની બે આશાસ્પદ યુવતીઓના મોત થતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ,રવિવારે ઓસ્ટ્રેલિયાના પર્થના ઉત્તરપૂર્વમાં આ બનાવ બન્યો હતો.ભુજ તાલુકાના કોડકી ગામની નિધિ લાલજી હિરાણી અને નારણપર ગામની રૂક્ષ્મી પ્રેમજી વાઘજીયાણી પર્થમાં રહે છે અને બંનેની ઉંમર ૨૦ વર્ષ છે તેઓ નર્સિંગના અભ્યાસ માટે કચ્છથી પર્થ ગયા હતા. આ બંને યુવતીઓ સવારે સફેદ ટોયોટા કોરોલામાં જતી હતી ત્યારે રસ્તામાં વળાંક આવ્યો અને અચાનક પાણી ભરેલા તળાવમા તેમની ગાડી ખાબકી હતી. જેની જાણ થતા વટેમાર્ગુઓ તેમની મદદ માટે આવ્યા હતા પરંતુ સારવાર નસીબ થાય એ પહેલા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અહીંથી જતા એક વ્યક્તિએ માધ્યમોને જણાવ્યું હતું કે,બનાવ બન્યો ત્યારે યુવતીઓએ કારની બારીઓ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેને ખોલી શક્યા ન હતા તો બારીઓ પર ધડાકા પણ માર્યા હતા. પણ આસપાસ ઉભેલા કોઈ સ્વિમિંગ જાણતા ન હતા જેથી કુદયા નહિ.દરમિયાન એક વ્યક્તિ જે તરવાનું જાણતો હતો તે તળાવમાં કુદયો પણ ત્યારે મોડું થઈ ગયું હતું.બાદમાં પોલીસ દ્વારા કલાકો બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.પોલીસ ઇન્સ્પેક્ટર ક્રેગ કોલિન્સે માધ્યમોને જણાવ્યું હતું કે શું થયું તે નક્કી કરવા માટે પોલીસ હજુ પણ કામ કરી રહી છે. તપાસનો પ્રારંભિક તબક્કો છે, અમને બીજું કંઈ મળ્યું નથી. પટેલચોવીસીના ગામના બે આશાસ્પદ યુવતીઓના મોતથી ગામમાં અને પરિવારમાં ભારે શોક સાથે અરેરાટી છવાઈ જવા પામી હતી.તેઓ મૂળ કચ્છના છે પણ હાલે કેન્યામાં પરિવાર સાથે રહેતા હોઇ અંતિમવિધિ ત્યાં કરવામાં આવી હતી.
