રાપર
કચ્છના રાપર તાલુકાનાં ફુલપરા, ભીમદેવકા નજીક આવેલ નાના રણમાં કાર્યરત ગેરકાયદે મીઠા ઉદ્યોગો ખુલ્લેઆમ વેપારો કરી રહ્યા છે. આ કંપનીઓના કારણે ઘૂડખરો અભયારણ્ય તેમજ વન્યજીવોને નુકસાન થાય છે. આ વિસ્તારમાં રહેતા ઘુડખર, નીલગાય, ઝરખ, શિયાળ જેવા અનેક પ્રાણીઓની સંખ્યા ગભરાટને કારણે ઓછી થઇ જાય તેવી સંભાવના છે. ભીમદેવકા જમીનમાંથી આ કારખાના ધારકો ગાડીઓ માટે રસ્તો બનાવવા મોટા પ્રમાણમાં માટી ઉપાડી રહ્યા છે. ગેરકાયદે કૃત્યો કરનાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ભીમદેવકા જૂથ ગ્રામપંચાયતનાં સરપંચ બાલુબેન દજાભાઇ સુરાણીએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નાના રણમાં મોટા પાયે ધમધમતા બિન અધિકૃત મીઠાના કારખાનાઓને ગેરકાયદે થાંભલાઓ ઉભા કરીને વીજ જાેડાણો પણ કોઈપણ જાતની પરવાનગી વગર અપાઈ ગયા છે જે તપાસ નો વિષય છે. અભયારણ્યમાં ધમધમતા ગેરકાયદે મીઠાના કારખાનાઓ વિશે વન અને પર્યાવરણ મંત્રીને કરાયેલી એક અલાયદી રજૂઆતમાં જણાવાયું છે કે, રાપર તાલુકાના રણકાંધીએ આવેલા માણાબા પાસેના અભયારણ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ જમીન પચાવી રહ્યા છે જે પૂર્વ કચ્છના વન વિભાગને કેમ દેખાતા નથી. કારખાનાના કારણે ઘૂડખરો સહિતના પ્રાણીઓ વન મૂકીને અવાર નવાર રોડ પર આવી જાય છે તેવી રજૂઆત રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ઉપપ્રમુખ કારૂભા ગોહિલે કરતાં આ દિશામાં યોગ્ય તપાસ સાથે પગલા લેવાની માગ કરી હતી.કચ્છના નાના રણમાં કોઈપણ જાત ની લીઝ કે મંજૂરી મેળવ્યા વગર કેટલાક ઉદ્યોગપતિઓએ મીઠાનાં કારખાના ધમધમતા કરી દીધા છે જેના કારણે બાજુમાં આવેલા ફુલપરા ભીમદેવકા ગામ અને વન્યજીવોને પણ નુકસાની થઇ રહી છે તેમ જણાવતાં ભીમદેવકાના સરપંચે કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં ગેરકાયદે કારખાના બંધ કરાવવા માગ કરી છે.
