પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય સુનિલકુમાર રતનભાઇ પટેલ પોતાના કાકાના દીકરાની કાર નંબર (GJ-08-AP-4291) લઈને પોતાના મિત્રો નિકુંજકુમાર મગનલાલ કારાવાડીયા અને સમીરકુમાર બાબુલાલ મકવાણા સાથે કઠલાલ મુકામે આવ્યા હતા. સુનિલકુમારના બનેવી અહીંયા રહેતા હોવાથી તેઓ અહીં આવ્યા હતા. કામ પૂરું કરી રાત્રિના આશરે 09:30 વાગ્યાની આસપાસ ભાનેર પાટીયા નજીક આવેલ નાગદા હોટલ ખાતે જમવા ગયા હતા.
ત્યારબાદ તેઓ કાર પાસે ઊભા હતા.
આ સમયે એકાએક નડિયાદ તરફથી આવતા પીકઅપ ડાલુ વાહન નંબર (GJ-35-T-2497)ના ચાલકે ઉપરોક્ત ઉભેલી કારને ટક્કર મારી હતી. જેના કારણે ખાલી સાઇડના દરવાજા પાસે ઉભેલા સુનિલ કુમારના બનેવી ભાવેશભાઈ ચંદુભાઈ પટેલ અને મિત્ર સમીરભાઈ બાબુલાલ મકવાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે ગાડી પાછળ ઉભેલ અન્ય એક કારને પણ અડફેટે લીધી હતી.
ઘાયલ થયેલા ઉપરોક્ત બંને લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે સમીરભાઈ મકવાણાનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. ઘટનાની કઠલાલ પોલીસને જાણ કરવામાં આવતા કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

