કડાણા
હોળીની અંધારી ગામના ત્રણ પિતરાઇ ભાઈઓ સંજયભાઈ છત્રભાઈ વાગડીયા, વિપુલકુમાર ઉદાભાઈ વાગડીયા તથા વિજયભાઈ દલાભાઈ વાગડીયા ઘરેથી શિફ્ટ ગાડી લઈ દીવડા કોલોની જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં ગાડીના સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા બેકાબૂ બનેલ ગાડી પથ્થર સાથે અથડાતા હવામાં ફંગોળાઈ હતી. ત્યારે અંદર ત્રણે ભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચતા લોહીના ખાબોચીયા બન્યા હતા. ઘટનાની જાણ પરિવાર અને ગામ લોકોને થતા ઘટના સ્થળે પહોંચેલા પરિવાર સહિત ગામ લોકો હચમચી ગયા હતા. જ્યારે અકસ્માતમાં ત્રણમાંથી સંજય વાગડીયા અને વિપુલ વાગડીયાના મોત થયા હતા. જ્યારે વિજય વાગડીયાને વધુ સારવાર માટે લુણાવાડા હોસ્પિટલમા દાખલ કર્યો હતો. જાણ પોલીસને થતાં કડાણા પીઆઇ એ.ટી.પટેલ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી. બંને મૃતદેહના પીએમ બાદ અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વિપુલના પિતા ઉદાભાઇ ૨૦૦૭મા ઘટના સ્થળથી નજીક અકસ્માતમાં ભોગ બન્યા હતા. જ્યારે વિપુલના મોત બાદ બે બહેનો અને માતાનો એકનોએક સહારો છીનવાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પામેલ યુવકને કડાણા સરકારી દવાખાના માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સરકારી એમ્બ્યુલન્સ માં ઑક્સિજન સાથે વધુ સારવાર માટે લુણાવાડા લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ ગાડીમાં ઓક્સિજન ની ઘટથી એક ઇજાગ્રસ્ત યુવકનું મોંત થયું મૃતકના પરિવાર જનોનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જયારે કડાણાના સરકારી હોસ્પીટલના તબિબ ડો. નિલેષ પારગી ના જણાવ્યા અનુસાર આ યુવકને અકસ્માતમાં માથાં ભાગે એટલી ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘણું લોહી વહી ગયું હતું. જેથી માથાના ભાગે હેમરેજ થવાના કારણે મૃત્યુ થયા છે. આ ખોટા આક્ષેપો છે તેમ જણાવેલ હતું.કડાણા તાલુકામાં હોળીની સર્જાયેલ ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના બે પિતરાઇ ભાઇઓના કમકમાટી ભર્યા મોતના સમાચારથી પરિવાર સહિત આખું ગામ હિબકે ચઢયું હતું. જ્યારે આ ઘટનાના શોકમાં ગામમાં હોળીકા દહન બંધ રાખ્યું હતું. આ અકસ્માતમાં ઇજા પામેલા અન્ય એકને વધુ સારવાર માટે લુણાવાડા લઈ જવામાં આવ્યો હતો. હોળીનો પવિત્ર તહેવાર કડાણા તાલુકાના અંધારી ગામ લોકો માટે માતમમા છવાયો હતો.