જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજના અધ્યક્ષ સ્થાને મતદાન નોંધણી અધિકારી, બીએલઓ, સુપરવાઇઝરની રિવ્યુ મીટીંગ યોજાઇ હતી. જેમાં સૌથી ઓછી કામગીરી ધરાવતા બુથ લેવલ ઓફિસર, બીએલઓ, સુપરવાઇઝરની કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. આ સાથે જૂનાગઢ જિલ્લાની મતદારયાદી સંપૂર્ણ ક્ષતિરહિત તૈયાર થાય તેની તકેદારી રાખવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ધ્યાનમાં રાખી જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને મતદાન નોંધણી અધિકારી, બીએલઓ, સુપરવાઇઝરની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મતદારયાદીમાં નામ નોંધણી, નામ કમી, નબળા બૂથની કામગીરી ધરાવતા બી.એલ.ઓને કલેકટરશ્રી દ્રારા સૂચના અપાઈ હતી.
તેમજ હોમ ટુ હોમ વીઝીટ દરમિયાન મતદાર યાદીમાં નોંધણીમાં કોઈ બાકી ન રહે, તેમજ મતદાન નોંધણી અધિકારીને મતદાન યાદી સંપૂર્ણ ક્ષતિરહિત બનાવવા પણ માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત બીએલઓ દ્વારા થતી હોમ ટુ વિઝીટની કામગીરીમાં મુખ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સ્થળાંતર થયેલ, મૃત્યુ પામેલ અને ગેરહાજરની યાદી બનાવવા તા.૧-૧-૨૦૨૨ની તારીખે પાત્રતા ધરાવતા મતદારોની નોંધણી, તા.૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોની યાદી, તેમજ પર્સન વીથ એબીલિટીને મતદાન દરમિયાન વિશેષ સુવિધા મળી રહે એ માટે સોફ્ટવેર પર ટેગ કરવા પણ સુચના આપવામાં આવી હતી. તેમજ સ્વીપ અંતર્ગત થતી લોકોમાંથી મતદાન જાગૃતિ, પ્રસાર – પ્રચારની પણ સમીક્ષા કરવામાં આવી હતી.