Gujarat

કામધેનુ યુનિ.ના દિક્ષાંત સમારોહમાં ૬૭૩ વિદ્યાર્થીઓને પદવી મેળવી

ગાંધીનગર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કામધેનું યુનિવર્સિટીના આઠમાં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા તેમજ સુવર્ણચંદ્રક મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતુ કે યુવા પદવી ધારકો પોતાના કાર્યક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરીને, રાષ્ટ્રના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપે. રાજ્યપાલએ આ અવસરે પશુપાલનના વ્યવસાયની મહત્તા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પશુપાલન વિના કૃષિની કલ્પના શક્ય નથી તેમણે પશુપાલન અને કૃષિને એકબીજાના પૂરક વ્યવસાય ગણાવ્યા હતા. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, દૂધના ઉત્પાદન ક્ષેત્રે ભારતને આર્ત્મનિભર બનાવવા પશુઓની નસલ સુધારણા કરવી અતિ આવશ્યક છે,ત્યારે કામધેનુ યુનિવર્સિટીમાંથી પદવી પ્રાપ્ત કરનારા યુવાનો આ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૦૯માં કરી હતી. મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર પશુપાલનના વ્યવસાય થકી ખેડૂતો/પશુપાલકોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત રાજપુર તથા અમરેલી ખાતેની કોલેજાેમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, રાજપૂર ખાતે વેટરનરી અને ફિશરીઝ કૉલેજ બિલ્ડીંગ અને હોસ્ટેલના આધુનિક ભવન નિર્માણ પામશે. વેરાવળ ખાતે ફીશરીઝ સાયન્સ કોલેજની બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જે સૌના પ્રયત્નો અને સહિયારા માર્ગદર્શન હેઠળ શક્ય બન્યું છે. કૃષિ મંત્રીએ પશુપાલન, ડેરી તથા મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ભવિષ્યમાં જે પડકારો ઉભા થાય તેનો જ્ઞાન અને કુનેહથી જનહિતમાં ઉકેલ લાવી સમગ્ર વિશ્વના કલ્યાણમાં ભાગીદાર થવા પદવી પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતુ. સ્વાગત પ્રવચન કરતા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.એચ. કેલાવાલાએ કહ્યું કે, કામધેનુ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર વેટરનરી, ડેરી અને ફિશરીઝ સાયન્સની યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓ અને પશુ માલિકો, માછીમારો અને ડેરી ઉદ્યોગ સાહસિકોની જરૂરિયાતો પૂરી કરે છે. જેથી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ વ્યાવસાયિક શિક્ષણ મળે અને પશુ માલિકોને તેમના પ્રાણીઓ માટે યોગ્ય આરોગ્ય સંભાળ કાર્યક્રમ મળે. શૈક્ષણિક પ્રવૃતિઓ ઉપરાંત, યુનિવર્સિટીમાં કેટલાક વિશેષ સંશોધન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પદવીદાન સમારોહમાં સ્નાતક કક્ષાના ૫૧૪ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ વિદ્યાર્થીઓ અને પીએચડીના ૧૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૭૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. તે પૈકી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે ૩ વિદ્યાર્થીનીઓને કુલાધિપતિ ગોલ્ડ મેડલ, સ્નાતક કક્ષાના અભ્યાસ માટે ૯ વિદ્યાર્થીઓને કુલપતિ ગોલ્ડ મેડલ તથા સ્નાતકના ૬ વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ તરફથી ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

India-Gujarat-Gandhinagar-The-8th-Convocation-of-Kamdhenu-University-was-held-673-students-graduated.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *