પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી જરૂરી વિગતોથી કેન્દ્રીય ટીમને વાકેફ કરતા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ
————-
ક્ષેત્રીય પ્રવાસમાં રાજપીપલાના કરજણ ઓવારા વિસ્તાર સહિત દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા તથા ટીંબાપાડાથી નવાગામને જોડતા રોડ પર ધામણ ખાડીના બ્રિજ પર પહોંચીને સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કરી નુકશાનીની જાત માહિતી મેળવતી કેન્દ્રીય ટીમ
————-
કેન્દ્રીય ગૃહ વિભાગની આંતર મંત્રાલયની ટીમના વડાશ્રી અને કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના ડાયરેક્ટરશ્રી ડો. સુભાષ ચંદ્રાની આગેવાની હેઠળની કેન્દ્રીય અભ્યાસ ટુકડીએ તેની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રસાશન સાથે બેઠક યોજીને તાજેતરમાં નર્મદા જિલ્લામાં જુલાઇ,૨૦૨૨ ના બીજા સપ્તાહમાં થયેલા ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને નુકશાની સંદર્ભે બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી જરૂરી વિગતોથી કેન્દ્રીય ટીમને જાણકારી પુરી પાડી હતી.
નર્મદા જિલ્લાની મુલાકાત લઇ ભારે વરસાદથી ઉદભવેલી પરિસ્થિતિનું સ્થળ નિરિક્ષણ કરી જાત માહિતી મેળવવા માટે ઉક્ત અભ્યાસ ટીમ સાથે જોડાયેલા જળ શક્તિ મંત્રાલયના અધિક ઈજનેરશ્રી વાય.એસ.વાર્સણેય, ઉર્જા મંત્રાલયના નાયબ નિયામક સુશ્રી નીરજા વર્મા અને ગુજરાતના રાહત નિયામકશ્રી સી.સી.પટેલ સહિત નર્મદા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં ભારે વરસાદને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં પ્રભાવિત થયેલા જન-જીવન, ખેતીમાં વ્યાપાક નુકશાન, માર્ગ અને મકાન વિભાગના રસ્તા, નાળાઓ, ગુજરાત વિજ કંપનીના વિજ થાંભલા, ટ્રાન્સફોર્મર વગેરે સહિત સરકારી મિલ્કતોને થયેલા નુકશાન ઉપરાંત કૃષિ અને બાગાયતી પાકોમાં થયેલા નુકશાન, અસરગ્રસ્ત વિસ્તારના લોકોનું સલામત સ્થળાંતર વગેરે જેવી બાબતોથી કેન્દ્રીય ટીમને અવગત કરાઇ હતી. તદ્ઉપરાંત જે તે સમયે કરાયેલી રાહત બચાવની કામગીરી અને જિલ્લામાં રોડ-રસ્તા સહિત અન્ય મિલકતોને થયેલા નુકશાન સંદર્ભે જરૂરી સમારકામ થકી જિલ્લામાં જન-જીવન ઝડપથી પૂર્વવત બને તે દિશામાં જિલ્લા પ્રસાશન દ્વારા કરાયેલી નોંધપાત્ર કામગીરીની પણ રૂપરેખા સાથેની વિસ્તૃત જાણકારી અપાઇ હતી. તેની સાથોસાથ અસરગ્રસ્ત પરિવારોને ચુકવાયેલી કેશડોલ્સ, ઘરવખરી સહાય, મકાન સહાય, માનવ-પશુ મૃત્યુ સહાય બાબતે પણ આ બેઠકમાં જરૂરી સમીક્ષા કરાઇ હતી.
રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, માર્ગ-મકાન, કૃષિ, બાગાયત, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવા વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપરાંત તાલુકા લાયઝન અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
કેન્દ્રીય ગૃહ વિભાગની આંતર મંત્રાલયની ટીમના વડાશ્રી તેમજ કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના ડાયરેક્ટરશ્રી ડો. સુભાષ ચંદ્રાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વરસાદથી થયેલી નુકશાનીના અંદાજ અને તેની સમીક્ષા માટે તા.૨૯ મી જુલાઇથી વિવિધ જિલ્લાઓની મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલી આ ટીમ દ્વારા જિલ્લાની સમીક્ષા બાદ સરકારશ્રીને તેનો અહેવાલ રજૂ કરાશે.
ઉક્ત બેઠક બાદ કેન્દ્રીય અભ્યાસ ટુકડીએ આજે રાજપીપલામાં કરજણ ઓવારા વિસ્તારની મુલાકાત લઇ સ્થળ સ્થિતિના નિરિક્ષણ સાથે અસરગ્રસ્ત ખેડૂતો સાથે રૂબરૂ સંવાદ સાધી નુકશાનીનો તાગ મેળવ્યો હતો. તદ્ઉપરાંત ગઇકાલે બપોર બાદ તેમની જિલ્લાની ક્ષેત્રીય મુલાકાતમાં દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા તથા ટીંબાપાડાથી નવાગામને જોડતા રોડ પર ઇનરેકા સંસ્થાન પાસેના ધામણ ખાડીના બ્રિજ પર પહોંચીને સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કરી નુકશાનીની જાત માહિતી મેળવી હતી.

