જળ સંરક્ષણ-સંગ્રહમાં જૂનાગઢ જિલ્લાને કેન્દ્ર સરકારની ટીમ દ્વારા ‘‘વેરી ગુડ’’ રેટીંગ મળ્યું છે. જિલ્લા કલેકટર શ્રી રચિત રાજે આ ટીમ સાથે બેઠક યોજી, જૂનાગઢ જિલ્લામાં જળ સંરક્ષણ માટે ચાલતા પ્રકલ્પો-ગતિવિધિથી અવગત કરાવ્યા હતા.
રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાન હેઠળ જૂનાગઢ જિલ્લામાં જળસંચય અને સંગ્રહની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્ર સરકારની ટીમ આવી પહોંચી હતી. આ ટીમના કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના આઈડીએસના ડાયરેકટર શ્રી આર.અરૂલાનંદન અને સેન્ટ્રલ વોટર કમિશનના શ્રી શ્રીહરી શેખર આવ્યા હતા. તેમણે જિલ્લાના પરંપરાગત તળાવ જળાશયો સહિતના જળ સંરક્ષણના કામોની વિઝીટ કરી સમગ્ર કામગીરીનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યું હતું.
આ ટીમના બંને ઉક્ત સભ્યોએ ઉમટવાળા, દગડ અને ખીરસરા તળાવ ઉપરાંત કેશોદના ટીટોડી ગામના ચેકડેમ, ચોરવાડ ખાતે ભરતી નિયંત્રણ માટેના જળાશય અને સેંદરડા ખાતેના રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત કરી હતી. આ ટીમે તા.૬ થી ૮ જૂલાઈ દરમિયાન જૂનાગઢ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો.
આમ, આ ટીમના બંને સભ્યોએ જળસંચય માટેની જમીની વિગતો મેળવી જૂનાગઢ જિલ્લાને ‘‘વેરી ગુડ’’ રેટીંગ આપ્યું હતું. ઉપરાંત જળસંચય માટેના પ્રગતિમાં અને બાકી રહેલા પૂર્ણ કરવા માટે સૂચન કર્યું હતું. આ ટીમની મુલાકાત દરમિયાન જળ શક્તિ અભિયાનના જૂનાગઢ જિલ્લાના નોડલ ઓફિસર શ્રી જે.એન. ભાટુ સાથે રહ્યા હતા અને જરૂરી વિગતો આપી હતી.
ઉલ્લેખનીય છે કે, જળ શક્તિ અભિયાન હેઠળ વરસાદી પાણી સંગ્રહ કરવા ઉપર ભાર આપવામાં આવે છે. જેમાં તળાવ, ચેકડેમની સાથે પરંપરાગત જળ સ્ત્રોતોને વધુ સુદ્રઢ બનાવવા અને તેની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક આગવા અભિગમ સાથે પાણીને એક શક્તિ માની છે, તેના યોગ્ય ઉપયોગ અને મેનેજમેન્ટ માટે તેમણે કેન્દ્ર સરકારમાં એક અલાયદા જળ મંત્રાલયની રચના કરી છે.
