Gujarat

કેવી રીતે કામ કરશે કિસાન કા વિમાન-ડ્રોન?

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લો એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇસનપુર મોટા ગામના એક ખેતરમાં ડ્રોનથી નેનો યુરિયા ખાતરનો છંટકાવ કરાયો. આ રીતે ખેતરમાં નેનો યુરિયાના છંટકાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હોય એવી આ માત્ર ભારતની નહીં, સમગ્ર વિશ્વની સૌપ્રથમ ઘટના છે. આ ડ્રોનને કિસાન કા વિમાન-કૃષિ વિમાન એવું ખેડૂતોને ગમે તેવું નામ આપવામાં આવ્યું છે. છ પાંખવાળા કૃષિ વિમાનથી આજે ઇસનપુર મોટાના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ડ્રોનની છ પાંખ નીચે સ્પ્રિન્કલર છે જેમાંથી પ્રવાહી યુરિયાનો સ્પ્રે થાય છે. ડ્રોનમાં ૧૨ લિટર ક્ષમતા વાળી ટેન્ક છે. માત્રા મુજબ એક એકર જમીન માટે ૧૦ લિટર પાણીમાં ૫૦૦ મિ.લિ. નેનો યુરિયા જાેઈએ. ડ્રોનની ટેન્કમાં ૧૦ લીટર પાણીમાં જરૂરી માત્રામાં નેનો યુરિયા ઉમેરવામાં આવે છે અને રિમોટથી જ અન્ય ડ્રોનની જેમ તેનું સંચાલન થાય છે. આ કૃષિ વિમાનમાં અત્યંત સંવેદનશીલ સેન્સર છે. એટલે ખેતરમાં કોઈ મોટું વૃક્ષ કે વીજળીનો થાંભલો કે વાયર જેવી કોઈ વસ્તુ ડ્રોનના માર્ગમાં આવે તો ઓપરેટરે કાળજી લેવાની જરૂર નહીં, ડ્રોનના સેન્સર પોતાની મેળે માર્ગ કરી લેશે અને પદાર્થ સાથે અથડાયા વિના ડ્રોન માર્ગ કાઢી લેશે. ડ્રોનની ટેન્કમાંનું દ્રાવણ છંટકાવ દરમિયાન અડધા ખેતરે ખાલી થઈ જશે તો ડ્રોન ઑટોમેટિકલી તેના રીમોટ પાસે આવી જશે. પુનઃ ટેન્ક ફીલ કરી દઈને ડ્રોનને કમાન્ડ આપવાથી જે ક્યારાથી છંટકાવ અટક્યો હતો તે જ સ્થળે ડ્રોન પુનઃ પહોંચી જશે અને પોતાની કામગીરી શરૂ કરી દેશે. આ ડ્રોનની એક વિશેષતા એ પણ છે કે, ડ્રોનમાં ઑટોમેટીક મેપિંગ છે. એક વખત ખેતરનો નકશો ડ્રોનમાં અંકિત કરી દેવાથી ડ્રોન ઑટોમેટિકલી ખેતર જેટલા વિસ્તારમાં જ દવાનો છંટકાવ કરી શકશે. બાજુના શેઢામાં બીજું ખેતર હોય તો ડ્રોન ઑટોમેટીકલી ત્યાં જતું અટકી જશે.ડ્રોન બેટરી ઓપરેટેડ છે. એક વખત ફુલ્લી ચાર્જ્‌ડ બેટરી ૧૫ થી ૧૭ મિનિટ ચાલે છે અને એક એકર ભૂમિ પર નેનો યુરિયાનો છંટકાવ કરવા ડ્રોનને ૮ થી ૧૦ મિનિટ લાગશે એટલે એક વખત ફુલ્લી ચાર્જ્‌ડ બેટરીથી એક એકર જમીન પર છંટકાવ કરી શકાશે. રાજ્ય સરકાર ખેડૂતોને નેનો યુરિયાના ડ્રોનથી છંટકાવ માટે ૯૦ ટકા આર્થિક સહાય આપશે. વધુમાં વધુ રૂપિયા ૫૦૦ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ સહાય મળશે. જમીનખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ પાંચ એકરમાં, વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં રાજ્ય સરકાર તરફથી સહાય મળશે. જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા લાભાર્થીઓની યાદી તૈયાર કરીને ઇફકોને આપવામાં આવશે. ઓગસ્ટ મહિનાના પ્રથમ પખવાડિયાથી જ નેનો યુરિયા છંટકાવની કામગીરી શરૂ કરાશે. ઇફકો દ્વારા રાજ્યમાં ૩૫ ડ્રોન લાવવામાં આવ્યા છે અને ઇફકો કલોલ ખાતે ફિલ્ડ સ્ટાફ અને ડ્રોન પાયલોટને તાલીમ આપી દેવામાં આવી છે. નેનો યુરિયાનો ડ્રોનથી છંટકાવ કરવાની આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ વ્યક્તિગત (આઇ- ખેડૂત પોર્ટલ) પર ઑનલાઈન અરજી કરવાની રહેશે. છંટકાવની કામગીરી કરતી એમ્પેનલ્ડ સંસ્થા, કંપની, વ્યક્તિઓની યાદી પણ ખેડૂતોની જાણકારી માટે આઇ-ખેડુત પોર્ટલ પર મૂકવામાં આવશે. ખેડૂત દ્વારા કરવામાં આવેલી કામગીરી મુજબ તેમને મળનારી રાજ્ય સરકારની સહાયના નાણા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઈ.સી.એસ. કે આર.ટી.જી.એસ. દ્વારા સીધા જ ખેડૂત લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાશે. એટ સોર્સ પદ્ધતિ અંતર્ગત ઇફકો દ્વારા જિલ્લા દીઠ બે થી ત્રણ ગામોના ક્લસ્ટર બનાવીને ૪૮,૦૦૦ એકરમાં છંટકાવ કરવામાં આવશે. આ ક્લસ્ટરના ગામોની યાદી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઇફકોને આપી દેવામાં આવી છે. આ પદ્ધતિ અંતર્ગત પણ ઓગસ્ટ મહિનાથી જ નેનો યુરિયાના ડ્રોનથી છંટકાવની કામગીરી શરૂ કરાશે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *