સુરત
સુરત એરપોર્ટ ઉપર બનેલી એક ઘટનામાં કડોદરાની એક મહિલાની કોલકાતામાં રહેતી માતાનું અવસાન થયું હતું. જેથી તેણે રૂ. ૧૫ હજાર ખર્ચીને ટ્રાવેલ એજન્ટ પાસેથી તત્કાલમાં એર ઇન્ડિયાની સુરત-કોલકાતાની ફ્લાઇટ બુક કરાવી હતી. પણ ધોધમાર વરસાદ પડતા જ ટ્રાફિક જામ થઇ ગયું હતું અને મહિલા તેના એક વર્ષના બાળક અને પતિ સાથે સુરત એરપોર્ટ પર મોડી પહોંચતા ફ્લાઇટ ચૂકી ગઈ હતી. આ પરિવાર દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલવતું હતું. તેમની પાસે બીજી ફ્લાઇટથી કોલકાતા જવા માટેના રૂપિયા પણ ન હતા. જેથી તે મહિલા તેના એક વર્ષના બાળક સાથે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની બહાર ઊભી રહી હતી અને રડી રહી હતી. એવામાં જ સુરત એરપોર્ટના સ્પાઇસ જેટના મેનેજર સચીન પીલ્લાઇ અને ઇન્ડિગોના મેનેજર અનીસુરની આ વાતની જાણ થઈ હતી. જેથી તે બન્નેએ સીઆઇએસએફની સાથે વાત કરીને તે મહિલાને સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ આપ્યો હતો. જ્યાં તેમણે મહિલાને પુછીને આખી ઘટના જાણી હતી. એવામાં જ એક સ્પાઇસ જેટની જયપુરની ફ્લાઇટમાં જનારા રોનક નામના પેસેન્જરે રૂ. ૩૨,૬૭૨ ખર્ચી ઇન્ડિગોની સુરતથી દિલ્હી અને દિલ્હીથી કોલકાતાની એમ બે ફ્લાઇટની ટિકિટ ખરીદી આપી હતી. એ પછી આ મહિલા તેના એક વર્ષના બાળક અને પતિ સાથે પોતાના વતન સેફ્લી પહોંચી જાય તે માટે સ્પાઇસ જેટ, ઇન્ડિગો, ગો ફર્સ્ટ, એર ઇન્ડિયા, એએઆઇ અને સીઆઇએસફના ઓફિસરોએ મળીને રૂ. ૯૧૦૦ એકઠાં કર્યા હતા અને તેમને આપ્યા હતા. બીજી તરફ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની અંદરની ગીતા રેસ્ટોરન્ટેના માલિકે પણ આ આખા પરિવારને જમાડ્યા હતા અને મુસાફરીમાં ભૂખ લાગે તે માટે નાસ્ તો પણ પેક કરી આપ્યો હતો. તે પછી આ મહિલા, તેનું એક વર્ષનું બાળક અને તેનો પતિ એમ ત્રણ જણા ૨૧ઃ૩૦ કલાકની ઇન્ડિગોની ફ્લાઇટથી સુરતથી દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી મોડી રાતે ૩ઃ૦૦ કલાકે દિલ્હીથી કોલકાતા પહોંચ્યા હતા. આમ, આખુ પરિવાર શનિવારે સવારે ૫ઃ૦૦ કલાકે કોલકાતા પહોંચ્યું હતું. આ આખી ઘટનામાં પરિવારે રોનક નામના પેસેન્જર, સુરત એરપોર્ટના, એરલાઇન્સના, રેસ્ટોરન્ટના અને સિક્યુરિટીના કર્મચારીઓનો આભાર માન્યો હતો.માતાનું અવસાન થતા જ કડોદરા ખાતે રહેતા એક ગરીબ પરિવારે ૧૫ હજાર રૂપિયા ખર્ચીને એર ઇન્ડિયાની સુરત-કોલકાતાની ફ્લાઇટની ટિકિટ ખરીદી હતી. પણ ધોધમાર વરસાદ અને ટ્રાફિક જામને કારણે પરિવાર ફ્લાઇટ ચૂકી ગયું હતું. જાેકે, પેસેન્જરો અને સુરત એરપોર્ટના તમામ કર્મચારીઓએ ૪૨ હજાર રૂપિયા એકઠાં કરીને બીજી ફ્લાઇટની ટિકીટ અપાવી પરિવારને કોલકાતા પહોંચાડવામાં મદદ કરી હતી.


