ખંભાત
ખંભાત તાલુકાના કણઝટ ગામે સીમ વિસ્તારમાં ઈન્દિરા કોલોનીમાં ૨૭ વર્ષીય જ્યોત્સનાબેન ઠાકોર પતિ પોપટભાઈ ઠાકોર સાથે રહે છે. તેમની પાંચ વર્ષીય દીકરી જાનકી અને ત્રણ વર્ષીય દીકરો મેહુલ છે. પતિના છૂટક મજૂરી પર ર્નિભર પરિવાર જીવન ગુજારતા હતા. અચાનક ત્રણ વર્ષ પૂર્વે જ્યોત્સનાબેનના જમણાં પગે બિમારી લાગી હતી. ધીમે-ધીમે જમણાં પગના ઘૂંટણના ભાગે ભયાનક સોજાે આવી ગયો હતો. અને અસહ્ય દુઃખાવાના કારણે મહિલાને નીચે અડીને પગ પણ મૂકી શકાતું ન હતું. બિમારીમાં છુટકારો મેળવવા પરિવાર અનેક ખાનગી દવાખાના ગયા હતા. પગની સારવાર માટે પત્નીની જણસો તેમજ પતિના વાહન પણ વેચાણ કરી દીધા હતા. તેમ છતાંય ઈલાજ કરાવી શક્યા ન હતા. અંતે પરિવાર પાસે કાંઇ બાકી ન રહેતા આર્થિક સંકડામણમાં ડૂબી ગયો હતો. બિમારગ્રસ્ત મહિલાને પોતાનું જીવ બચે તેવી આશા ન હતી. લાચાર પરિવાર દેશીદારૂના સામાન્ય ધંધા તરફ વળ્યો હતો. બીજી તરફ દારૂના ધંધા પર રોક લગાવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પોલીસ દ્વારા ગત દિવાળીના સમય દરમિયાન, દરોડો પાડવા જતાં સમગ્ર હકીકત પીઆઈ રણજીતભાઈ એન. ખાંટ સમક્ષ ખુલી હતી. તમામ હકીકતોથી વાકેફ થઈ તેમણે તુરંત તાત્કાલિક ખાનગી વાહનમાં અમદાવાદ સિવિલમાં મહિલાની સારવાર કરાવી હતી. મારા કેન્સરવાળા પગનું ઓપરેશન કરાવી, પોલીસે મને નવજીવન આપ્યું છે. મારા નાના નાના બાળકો સામે જાેયું છે. એક પિતા બની મારો સહારો બન્યા છે. સાહેબને અમે વચન આપ્યું છે કે અમે હવે દેશીદારૂનો ધંધાની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરીશું નહિ. ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પીડિતના પગનું ઓપરેશન કરાવ્યું હતું. આગામી દિવસોમાં કૃત્રિમ પગ નાંખી દેવામાં આંવશે. છેલ્લા બે મહિના ઉપરાંતથી આર્થિક તેમજ અન્ય સહાય પોલીસ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત સુરક્ષા સેતુ યોજના થકી પણ પરિવારને વધુ મદદ કરી.